વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત

April 08, 2025

વડોદરા સહિત રાજ્યભરમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં 3 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. લોકો હજુ વડોદરાના રક્ષિત ચોરાસિયા કેસને ભૂલ્યા નથી. ત્યાં તો એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. મંગળવારે સવારે વડોદરાના વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ટેમ્પો ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વાઘોડિયા બ્રિજ પાસે ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એક્ટિવા લઇને કોલેજ જઇ રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પો ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. મૈત્રી નરેન્દ્રકુમાર શાહ ખાનગી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતી હતી. 

બનાવની જાણ થતાં પોલીસ અને વિદ્યાર્થીના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલમાં અકસ્માતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.