અંબાજીમાં ભાદરવી પૂનમના 'મહામેળા'નો આજથી પ્રારંભ, અરવલ્લીની ગિરિમાળા જય અંબાના નાદથી ગૂંજી ઉઠશે

September 12, 2024

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની આજથી રંગચંગે શરૂઆત થઈ ગઈ છે. આજે ભાદરવી સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહદ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને વહીવટદાર દ્વારા મહામેળાને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજવાનો છે. ત્યારે આજે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને જગતજનની મા અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

ભાદરવી મહાકુંભ-2024નો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ચેરમેને, વહીવટદાર અને SPએ રથ ખેંચી અને નારીયેળ વધેરીને ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. દાંતા રોડ ખાતે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. આગામી 7 દિવસ સુધી અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જામશે. જેમાં લાખો માઈભકતો દર્શન કરવા મા અંબાના ધામ આવશે.


ભાદરવી પૂનમે લાખો માઈ ભક્તો પગપાળા દર્શન માટે આવે છે. તેમને તકલીફ ન પડે તે માટે વિવિધ જગ્યાએ વિસામો કેન્દ્ર, મેડિકલ કેમ્પ અને પાણીની સુવિધાઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરના ચાચર ચોકમાં પણ આરોગ્ય માટેના કાઉન્ટર લગાવવામાં આવ્યો છે. પ્રસાદ રૂપે ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  


મંદિરમાં આરતી અને દર્શનનો સમય

આરતી સવારે - 06 થી   06-30
દર્શન સવારે - 06-30 થી 11-30
રાજભોગ બપોરે - 12 કલાકે
દર્શન બપોરે - 12-30 થી 17 
આરતી સાંજે - 19-00 થી 19-30
દર્શન સાંજે - 19-30 થી 24-00