બાઈડેનનો વધે એક બફાટ : ઝેલેન્સ્કીને પુતિન કહી દીધા, આ સાંભળતા જ યુક્રેનના પ્રમુખ હસી પડ્યાં

July 13, 2024

વોશિંગ્ટન : 'નાટો' સમિટ સમયે પ્રમુખ જો બાયડેને યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીને ઉપસ્થિત સભ્યો સમક્ષ પુતિન તરીકે પરિચય આપતાં ઉપસ્થિત સમુદાયને આંચકો લાગ્યો હતો. ત્યારે તેમની બાજુમાં જ ઉભેલા ઝેલેન્સ્કી પણ મંદ મંદ હસી રહ્યા હતા. પ્રમુખે ગુરૃવારે સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના હતા તે પહેલાં જ તેમણે કરેલો આ બફાટ તેમના ફરી ચૂંટાવાના પ્રયત્નોમાં અવરોધરૃપ બની રહેશે તેમ નિશ્ચિત લાગે છે. પ્રમુખના આ બફાટથી તેમની જ પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીના જ ઘણાએ સભ્યો તેમને પ્રમુખપદની રેસમાંથી ખસી જવા કહે છે. તેટલું જ નહીં પરંતુ પાર્ટીને તે ચૂંટણી માટે લાખ્ખો ડોલર્સનું અનુદાન આપનાર હોલીવૂડના દિગ્ગજ એક્ટર જ્યોર્જ કલુની પણ તેઓને આ રેસમાંથી ખસી જવા કહે છે. તે ઉપરાંત તેમના જ પક્ષના પાંચ સાંસદોએ પણ તેઓને 'રેસ'માંથી ખસી જવા અનુરોધ કરતો પત્ર પણ લખ્યો છે. આમ છતાં બાયડેન પ્રમુખપદની સ્પર્ધામાં બીજી વાર ઝુંકાવવા માંગે છે. ગુરૃવારે નાટો દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ઝેલેન્સ્કીને રજૂ કરતાં બાયડેને કહ્યું, 'હું પ્રમુખ પુતિનને તમારી સમક્ષ રજૂ કરૃં છું.' તે સમયે ઝેલેન્સ્કી પણ હસી પડયા હતા. પરંતુ પછીથી તુર્ત જ વાત વાળી કહ્યું કે, 'તેઓ પુતિન કરતાં ઘણા સારા છે.'