કુતિયાણામાં 14 બેઠકો પર સાઇકલ દોડી, કાના જાડેજાએ કાંધલ જાડેજાને આપ્યો વિજયનો શ્રેય

February 18, 2025

રાજ્યભરમાં રવિવારે (16 ફેબ્રુઆરી) સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને મંગળવારે (18 ફેબ્રુઆરી) તેનું પરિણામ સામે આવ્યું છે. જેમાં પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ બેઠકમાં રસપ્રદ ખેલ જામ્યો હતો. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા (સમાજવાદી પાર્ટી)એ બાજી પલટી દીધી છે. કુતિયાણા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સપા અને 10 બેઠક પર ભાજપની જીત થઈ છે. વળી રાણાવાવમાં સપાએ 20 બેઠક સાથે બહુમત મેળવી જીત હાંસલ કરી છે. આ સાથે ભાજપ 8 બેઠક પર જ સમેટાઈ ગઈ હતી. 


કુતિયાણા નગર પાલિકામાં જીત મેળવ્યા બાદ કાના જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, અમારો જીતવાનું કારણ તો રાણાવાવ અને કુતિયાણાના મતદારો છે. જેણે અમને સપોર્ટ કર્યો અને મત આપ્યા. હું આ તમામનો આભારી છું અને બધા વતી આશ્વાસન આપું છું કે, હું કુતિયાણા અને રાણાવાવનું જેવી રાણાઓની કુતિયાણાની નગર પાલિકા છે એટલી જ સરસ રાણાવાવની નગર પાલિકા બનાવીશ.
કાના જાડેજાએ પોતાની આ જીતનો શ્રેય કુતિયાણાની જનતાને, મોટાભાઈ કાંધલ જાડેજા અને હિરલ કાકીને આપ્યો છે.