અમદાવાદમાં બે સ્થળોએ આગ, ગોતામાં બિલ્ડિંગના સાતમાં માળે તો રાયપુરમાં ગોડાઉન સળગ્યું, એકનું મોત

September 12, 2024

અમદાવાદ : અમદાવાદના ગોતાની સેવન્થ એવેન્યુની બિલ્ડીંગના સાતમા માળે આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, આગ લાગવાની ઘટનામાં એક 68 વર્ષના વૃદ્ધ ઝડપથી બહાર નીકળી શક્ય ન હતા અને ગૂંગળામણની અસરથી તબિયત ગંભીર થઈ હતી. આ પછી, વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજી તરફ, રાયપુર દરવાજા પાસે આવેલા નૂતન કાપડ માર્કેટના ગોડાઉનમાં પણ આગ લાગવાથી કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.

ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે, 'ગોતા વિસ્તારની સેવન્થ એવન્યુ નામની બિલ્ડિંગના 704 નંબરના મકાનમાં આગ લાગે હોવાનું સાંજે પાંચ વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો.' જો કે, આગની ઘટના અંગેનો ફોન આવતાની સાથે ત્રણ ટીમ ઘટના સ્થળો પહોંચી હતી. જ્યાં એક 68 વર્ષના વૃદ્ધ શરીરે દાઝી ગયા હોવાથી બેભાન હાલતમાં મળી આવ્યાં હતા. આ પછી વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

મકાનમાં આગ લાગવા પાછળના કારણને લઈને ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે, 'આગ શેનાથી લાગી તેને લઈને કોઈ ચોક્કસ જાણકારી નથી મળી, પરંતુ ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી હશે.'

રાયપુર દરવાજા પાસે આવેલા નૂતન કાપડ માર્કેટના ગોડાઉનમાં આગ લાગવાથી કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.