મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ

April 06, 2025

અધિકારીઓએ આગવાળા કોચને અલગ કરી ટ્રેનને રવાના કરી

બિલાસપુર : મધ્યપ્રદેશમાં એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના બીકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં આજે (6 માર્ચ) આગ લાગ્યા બાદ મુસાફરોમાં હડકંપ મચી ગયો છે. ટ્રેનના જે કોચમાં આગ લાગી, તે કોચ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે. ચાલતી ટ્રેનમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે ગાર્ડની નજર પડતા ટ્રેનને તુરંત ઉજ્જૈનના તરાનામાં અટકાવી દેવાઈ છે. આગની ઘટનાની માહિતી મળતા જ રેલવેના અધિકારીઓ તુરંત તરાના સ્ટેશન પર પહોંચી ગયા હતા અને જે કોચમાં આગ લાગી હતી, તેને તુરંત ટ્રેનથી અલગ કરી દીધો છે. ત્યારબાદ બાકીના કોચને તુરંત આગળ રવાના કરી દેવાયા છે.

વાસ્તવમાં ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગી હતી. ટ્રેન તરાના સ્ટેશન આવી તે પહેલા ગાર્ડની આગ પર નજર પડી હતી અને તેણે તુરંત રેલવે અધિકારીઓને જાણ કરી હતી. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી. રેલવેએ આગની ઘટનાના કારણો તપાસ આદેશ આપી દીધા છે. આગ લાગી ત્યારે ટ્રેન કાલીસિંઘ બ્રિજ પર હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રેનના SLR કોચમાં આગ લાગી હતી, જેમાં કોઈપણ જાનહાની થઈ નથી. મળતા અહેવાલો મુજબ ટ્રેન રવિવારે સાંજે ઉજ્જૈનથી લગભગ 50 કિલોમીટર દુર કાલી સિંઘ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એલએસઆર કોચમાં અચાનક આગ લાગી હતી.


જ્યારે ગાર્ડની આગ પર નજર પડી તો તેણે તુરંત પાયલટને વાત કરી ટ્રેન અટકાવી દીધી હતી. ત્યારબાદ રેલવે કર્મચારીઓ અને લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ તરાના સ્ટેશન પર આગની લપેટમાં આવેલા કોચને અલગ કરી ટ્રેનને આગળ રવાના કરાી હતી. રેલવે પીઆરઓ ખેમરાજ મીણાએ કહ્યું કે, આગ પર કાબુ મેળવી લેવાયો છે.