સોનાનો ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ, ચાંદીમાં પણ ધૂમ

February 02, 2023

નવી દિલ્હી : બજેટમાં સોના-ચાંદી પર કસ્ટડી ડ્યૂટી વધારવાની જાહેરાત કરાયા બાદ બુધવારે સોનું 57910ના ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી ગયું હતું અને આજે એમસીએક્સ પર 1.11 ટકા ચઢીને 58525 રૂપિયાએ પહોંચી ગયું છે. ચાંદી પણ 2.06 ટકાના વધારા સાથે 71280 રૂપિયાના ભાવે પહોંચી ગઈ હતી. એમસીએક્સ પર સોના-ચાંદીનો આ ભાવ ક્રમશઃ 5 એપ્રિલ અને 3 માર્ચનો વાયદો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને ઘરેલુ માગને લીધે સોનાના ભાવમાં ગત 4 મહિનામાં 9000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો નોંધાયો છે. જોકે નવા વર્ષના પહેલા જ મહિનામાં સોનાના ભાવમાં 4000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. 

ઉલ્લેખનીય છે કે બજેટ આવ્યા બાદ નિષ્ણાતોનું માનવું છે કે હવે સોનાનો ભાવ 65000 રૂપિયા પ્રતિ 10  ગ્રામ સુધી પહોંચવાની શક્યતાઓ વધી ગઈ છે. જ્યારે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળશે. બજેટ ભાષણમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી.

કેડિયા કોમોડિટીઝના પ્રેસીડેન્ટ અજય કેડિયા કહે છે કે સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાની આશા હતી પણ તેનાથી વિપરિત કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરી દેવાયો. તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ, બજારમાં મંદીની આશંકા, ઈટીએફમાં રોકાણમાં વધારો અને કેન્દ્રીય બેન્કો દ્વારા સતત સોનાની ખરીદીને કારણે જ સોનાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો તે 90000ના ભાવને સ્પર્શી શકે છે.