સુરતમાં પણ ચાંદીપુરા વાઈરસનોં શંકાસ્પદ કેસ આવતા જ તંત્ર દોડતું થયું

July 21, 2024

સુરત : ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરતના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણો જણાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જોકે, સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાઈરસનો પ્રકોપ વધી રહ્યો છે. અનેક જિલ્લામાં ઘણાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. જો કે, આ વાઈરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય (માખી) જવાબદાર છે. આ સ્થિતિમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી સંક્રમિત થતા દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે શહેરના સચિન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સંધ્યા વિશાભર સિંગને તાવમાં ખેંચ આવી હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, ત્યાંથી શનિવારે (20મી જુલાઈ) વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બાળકીમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણો જાણતા તેના સેમ્પલને ગાંધીનગર અને પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, સુરતમાં આ શંકાસ્પદ ચાંદીપુરા પહેલો કેસ નોંધાયો છે. જેને લીધે આરોગ્ય વિભાગમાં ફફડાટ સાથે અધિકારી અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે.