ટેસ્ટમાં બુમરાહને ફક્ત 6 બેટ્સમેન જ છગ્ગા ફટકારી શક્યા, ભલભલા બેટરના પરસેવા છોડાવ્યા

December 02, 2024

ભારતીય ટીમના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ગણતરી ભારતના શ્રેષ્ઠ ઝડપી બોલર્સમાં થાય છે અને તેણે પોતાના દમ પર ટીમ ઇન્ડિયાને ઘણી વખત મુશ્કેલ સ્થિતિથી બહાર કાઢી છે. ભલે તેની એક્શન જોવામાં થોડી અલગ લાગે પરંતુ તેના બોલને રમવા કોઈ પણ બેટ્સમેન માટે સરળ નથી. તેની પાસે તે આવડત છે કે તે કોઈ પણ બેટિંગ આક્રમણને ધ્વસ્ત કરી શકે છે. 
બટલરે બુમરાહ વિરુદ્ધ ટેસ્ટમાં બે સિક્સર ફટકારી ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહ વિરુદ્ધ અત્યાર સુધી માત્ર 6 ખેલાડી જ સિક્સર ફટકારી શક્યા છે. જેમાં જોસ બટલરે સૌથી વધુ બે સિક્સર ફટકારી છે. મોઈન અલી, એબી ડિવિલિયર્સ, કેમરુન ગ્રીન, નાથન લાયન, આદિલ રાશિદે એક-એક સિક્સર ફટકારી છે. આ 6 પ્લેયર્સ સિવાય વિશ્વના અન્ય બેટ્સમેન બુમરાહ સામે ટેસ્ટમાં સિક્સર ફટકારી શક્યા નથી. વિદેશમાં બુમરાહ ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર સાબિત થાય છે. તેની દિવાનગી આપણે ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચમાં જોઈ ચૂક્યા છીએ. જ્યારે તેણે પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ મેળવી હતી. જસપ્રીત બુમરાહે વર્ષ 2018માં ટેસ્ટમાં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું ત્યારથી જ તે ભારતીય ટીમની મહત્ત્વની કડી બનેલો છે. ખાસ વાત એ છે કે માત્ર ટેસ્ટ જ નહીં. તેણે ભારત માટે વનડે અને ટી20માં પણ દમદાર પ્રદર્શન કર્યું છે. વચ્ચે-વચ્ચે તે ઈજાગ્રસ્ત જરૂર થયો પરંતુ પછી તેણે બમણી તાકાતથી વાપસી કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે અત્યાર સુધી કુલ 181 વિકેટ પોતાના નામે કરી છે.