મોન્ટાના નેશનલ પાર્કના સરોવરમાં ભારતીય યુવકનું ડૂબી જતાં મોત

July 13, 2024

કેલિફોર્નિયામાં કામ કરી રહેલો એક ભારતીય યુવક અમેરિકાના મોન્ટાના ખાતે આવેલા ગ્લેશિયર નેશનલ પાર્કમાં આવેલા સરોવરમાં ડૂબી ગયો છે. 26 વર્ષનો યુવક મિત્રો સાથે રજા ગાળવા પાર્કમાં ગયો હતો. યુવકનો મૃતદેહ હજી મળી શક્યો નથી. પોલીસ મૃતદેહને શોધી રહી છે. પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય યુવકની ઓળખ સિદ્ધાંત વિઠ્ઠલ પાટિલ તરીકે થઈ છે.

6 જૂનના રોજ પાટિલ એવલોન્ચ સરોવર ખીણ પ્રદેશની ટ્રેક પર ફરી રહ્યો હતો. એક મોટી શિલા પરથી તે એવલોન્ચ ક્રીકમાં પડી જતાં તેના મિત્રો મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. મિત્રોએ પાટિલનાને ડૂબતાં અને પાણીના વહેણમાંથી ઉપર ઊઠતા પણ જોયો હતો.

પાર્ક અધિકારીઓનું કહેવું છે કે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું કે પાટિલનો પગ લપસી પડતાં કે પણ સંતુલન ગુમાવી દેતાં તે સરોવરમાં પડી ગયો હતો. અધિકારીઓએ કહ્યું કે હેલિકોપ્ટરથી તપાસ કરવામાં આવી, પરંતુ મૃતદેહ મેળવવામાં સફળતા મળી નથી. અધિકારીઓનું કહેવું છે કે પાટિલનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ મૃતદેહ ક્યાંક ફસાઈ ગયો છે.

યુવકનો મૃતદેહ શિલાઓ અને વૃક્ષોની નીચે દબાઈ ગયો હોવો જોઈએ. મૃતદેહની શોધ સતત ચાલી રહી હતી. ખીણ પ્રદેશમાં પાણીના જોશીલા વહેણને કારણે મૃતદેહની શોધ મુશ્કેલ બની રહી છે. ડ્રોનથી તપાસ થતાં પણ મૃતદેહ શોધવામાં સફળતા નથી મળી.