તપાસ થઈ ચૂકી છે, આરોપો પાયાવિહોણા ; હિંડનબર્ગ રિપોર્ટ અંગે અદાણી જૂથનો જવાબ

August 11, 2024

દિલ્હી ઃ અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના લેટેસ્ટ રિપોર્ટમાં શેર માર્કેટના રેગ્યુલેટર 'સેબી' પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કર્યા છે. રિપોર્ટ પ્રકાશિત થયા બાદ સેબીના વડા માધબી પુરી બૂચે સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું હતું કે, આ બધા આરોપો પાયાવિહોણા છે. તો બીજી તરફ અદાણી જૂથ દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે. જૂથે આ આરોપોને તથ્યો અને કાયદાની અવગણના તરીકે ગણાવ્યા હતા.
અદાણી જૂથે હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટને લઈને  નિવેદનમાં કહ્યું છે કે, 'આ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો દુર્ભાવનાથી પ્રેરિત છે અને તથ્યો સાથે છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યા છે. અમે હિંડનબર્ગ દ્વારા જૂથ વિરુદ્ધ કરવામાં આવેલા આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ, જે ફક્ત અમને બદનામ કરવા માટે દાવાઓનું રિસાયક્લિંગ છે. અદાણી જૂથ વતી એવું કહેવામાં આવ્યું છે કે અગાઉ કરવામાં આવેલા આ તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરી લેવામાં આવી છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણા સાબિત થયા હતા. આ આરોપોને પહેલા જ જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. અમારું વિદેશી હોલ્ડિંગ માટેનું માળખું સંપૂર્ણપણે પારદર્શક છે, જેમાં તમામ તથ્યો અને વિગતો નિયમિતપણે જાહેર દસ્તાવેજોમાં પ્રદર્શિત થાય છે.' અમને બદનામ કરવાના ઇરાદાથી રિપોર્ટમાં ઉલ્લેખિત વ્યક્તિઓનો અદાણી જૂથનો બિલકુલ કોઈ વ્યવસાયિક સંબંધ નથી.'