IPS જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહની CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક

January 19, 2025

દિલ્હી : કેન્દ્ર સરકારે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના નવા ડિરેક્ટર જનરલ નિયુક્ત કર્યા છે. શનિવારે મોડી રાત્રે જારી કરાયેલા વિભાગીય આદેશ પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને કેબિનેટની નિમણૂક સમિતિએ મંજૂરી આપી દીધી છે. આ આદેશ કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં લખ્યું છે કે, ACCએ ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે જેમાં આસામ કેડરના 1991 બેચના IPS જીપી સિંહને CRPFના નવા ડિરેક્ટર જનરલ નિયુક્ત કર્યા છે.
જ્ઞાનેન્દ્ર સિંહ આ પહેલા આસામ પોલીસ પ્રમુખનું પદ સંભાળી રહ્યા હતા. હવે તેઓ CRPFના પ્રમુખ તરીકે સેવા આપશે. તેઓ 31 જાન્યુઆરી 2027ના રોજ નિવૃત્ત થશે. ડીજી જીપી સિંહ અગાઉ સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી જેવા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે આસામ પોલીસમાં ઘણા વરિષ્ઠ પદો પર પણ કામ કર્યું છે.


ગત મહિને ગૃહ મંત્રાલયએ 1993 બેચના IPS અધિકારી વિતુલ કુમારને CRPFના DGનો વધારાનો હવાલો સોંપ્યો હતો. તત્કાલીન ડીજી અનિશ દયાલ સિંહ 31 ડિસેમ્બરે નિવૃત્ત થઈ ગયા હતા. CRPF લગભગ 300,000 જવાનો સાથે ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ છે. આ દળ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન, ઉત્તર-પૂર્વમાં ઉગ્રવાદ વિરોધી અભિયાન અને લેફ્ટ-વિંગ ઉગ્રવાદ (LWE)થી પ્રભાવિત રાજ્યોમાં નક્સલ વિરોધી અભિયાનોમાં સામેલ હોય છે.  આવનારું વર્ષ CRPF માટે મહત્વપૂર્ણ છે. છત્તીસગઢમાં નક્સલવાદીઓને ખતમ કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોમાં આ દળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. માર્ચ 2026 સુધીમાં આ લક્ષ્ય હાંસલ કરવાનો ટાસ્ક છે. હાલમાં છત્તીસગઢમાં 40,000થી વધુ CRPF જવાનો તહેનાત છે.