અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસની એન્ટ્રીથી બદલાઈ ગયા સમીકરણ, ટ્રમ્પની મુશ્કેલી વધારી

July 31, 2024

અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી દિવસે ને દિવસે વધુ રસપ્રદ બનતી રહી છે. એકતરફ જો બાઈડે પ્રમુખ પદની ઉમેદવારીમાંથી નામ પરત ખેંચી લીધું છે, તો બીજી તરફ તેમના સ્થાને ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભારતીય મૂળના કમલા હેરિસ વિરોધી ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધારી દીધી છે. મળતા અહેવાલો મુજબ કમલા હેરિસના આક્રમક ચૂંટણી પ્રચારના કારણે ચૂંટણીના તમામ સમીકરણ બદલી નાખ્યા છે. પ્રમુખ પદની રેસમાં હેરિસ બોલવામાં આક્રમક નેતા કહેવાતા ડોનાલ્ડ ટ્રમ્પથી પણ ઘણા આગળ નીકળી ગયા છે. તાજેતરના રિપોર્ટ મુજબ, ચૂંટણીની રેસમાં આગળ વધી રહેલા ટ્રમ્પની ગતિ પર બ્રેક વાગી છે. સંયુક્ત રાજ્ય અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ટ્રમ્પના દબદબાને પછાળીને આગળ નીકળી ગયા છે અનેહવે ડેમોક્રેટિક અને રિપબ્લિકન ઉમેદવાર બરાબરી પર આવી ગયા છે. જોકે હજુ સુધી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસ સત્તાવાર જાહેર થયા નથી, પરંતુ તેમણે ઉમેદવારી માટે રિપબ્લિકન ડેલિગેટ્સના જરૂરી વોટ મેળવી લીધા છે. મંગળવારે જાહેર થયેલા સર્વેક્ષણ મુજબ, અમેરિકાના પ્રમુખ જો બાઈડેન ચૂંટણીની રેસમાંથી ખસી ગયા બાદ કમલા હેરિસે દેશભરમાં અને મુખ્ય સ્વિંગ સેટ્સમાં ધારદાર ચૂંટણી પ્રચાર કરી ટ્રમ્પના દબદબાને ઘટાડી દીધો છે. કેટલાક ટોચના મીડિયાએ અમેરિકાના રજિસ્ટર્ડ મતદારો વચ્ચે નવો સરવે કર્યો છે. જેમાં કમલા હેરિસ ઓછામાં ઓછા ચાર મહત્વના રાજ્યોમાં ટ્રમ્પથી આગળ નીકળી ગયા છે, જ્યારે બે રાજ્યોમાં ટ્રમ્પ આગળ છે. ઓપિનિયન પોલ મુજબ કમલા હેરિસ મિશિગન શહેરમાં ટ્રમ્પથી 11 ટકા આગળ છે અને એરિઝોના, વિસ્કૉન્સિન, નેવાડામાં બે ટકા આગળ છે. જ્યારે ટ્રમ્પ પેન્સિલવેનિયામાં ચાર ટકા અને ઉત્તર કેરોલિનામાં બે ટકા આગળ છે. જ્યોર્જિયામાં બંને ઉમેદવારોની ટકાવારી એકસરખી છે. ડેમોક્રેટિક સુપર પીએસી પ્રોગ્રેસ એક્શન ફંડના સરવે મુજબ જ્યોર્જિયામાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જોકે હેરિસ ટ્રમ્પથી એક ટકા આગળ છે. અહીં ટ્રમ્પને 47 ટકા, તો હેરિસને 48 ટકા મળવાની સંભાવના છે. જ્યારે એરિઝોના અને પેન્સિલવેનિયામાં ટ્રમ્પ બે ટકા આગળ ચાલી રહ્યા છે. બીજીતરફ અન્ય એક સંસ્થાના સરવે મુજબ, હેરિસે ટ્રમ્પને પાછળ છોડી દીધા છે. ટ્રમ્પને 42 ટકા તો હેરિસને 48 ટકા પોઈન્ટ મળવાની સંભાવના છે.