કનુ દેસાઈના ઉચ્ચારણોની સામે કોળી સમાજ નારાજ : વિરૂધ્ધ મતદાન કરાવશે

May 05, 2024

વલસાડ - વલસાડ પંથકમાં યોજાયેલી એક સભામાં ભાજપ સરકારના રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ  કોળિયો કૂટાય અને ધોળીયા ચૂંટાય તેવા નિવેદન સામે કોળી સમાજના કેટલાક આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં મિડીયા સમક્ષ કોળી અગ્રણી મુન્ના બાવળિયાએ સહિત અગ્રણીઓએ જણાવ્યું કે અમને નીચા દેખાડવા માટેના આ પ્રયાસ બદલ અમે ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવા ગામેગામ ફરીશું અને આજે જસદણ પંથકમાં નીકળી ગયા છીએ. 


કોળી સમાજના આગેવાનોઅ વધુમાં જણાવ્યું કે  કોળી સમાજ ભાજપને વારંવાર મદદ કરતો રહ્યો છે પરંતુ, બદલામાં કશુ માંગ્યુ નથી. અમે મોટા કોન્ટ્રાક્ટો કે અમારા વિસ્તારમાં વધારે ફંડ માંગ્યું નથી. ભાજપ તાનાશાહીમાં આવ્યો હોય તેમ પહેલા ક્ષત્રિયોનું અપમાન કર્યું અને હવે કોળી સમાજનું કર્યું છે. ક્ષત્રિયો એકત્રીત થયા છે તેવી  રીતે અમે પણ એકત્ર થઈ શકીએ છીએ. અમારી પાસે હરાવવા માટેની શક્તિ છે.  આગેવાનોએ કનુ દેસાઈ જાહેર મંચ પર જે રીતે કોળી સમાજનું અપમાન કર્યું છે તે રીતે જાહેર મંચ ઉપર આવીને માફી માંગે અને ભાજપ સરકાર નાણામંત્રી સામે કડક પગલા લે તેવી માંગણી કરાઈ છે.  નાણામંત્રીના આ નિવેદન પછી હજુ સુધી જાહેરમાં માફી માંગવામાં નથી આવી તેમ કહીને વધુમાં એવી ચીમકી આપી કે અમે બે દિવસ ભાજપ વિરૂધ્ધ ગામેગામ ફરીને મતદાન નહીં કરવા પ્રચાર કરીશું.