લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરે છે ભારતના એજન્ટ: ભારત પર કેનેડાના આરોપથી ખળભળાટ

October 15, 2024

બાબા સિદ્દીકી હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. તો બીજી તરફ ભારતે કેનેડા પર કડક વલણ અપનાવીને તેના 6 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. ભારત નિજ્જર હત્યા કેસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માનું નામ 'પર્સન ઑફ ઈન્ટરેસ્ટ' તરીકે જાહેર થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

કેનેડિયન પોલીસે ભારતીય અધિકારીઓની પૂછપરછ કરી અને ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ કર્યો. ભારતે તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યાના થોડા કલાકો પછી, RCMP એટલે કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આરોપ લગાવ્યો છે કે ભારત સરકારના એજન્ટો કેનેડામાં આતંક ફેલાવવા માટે લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, RCMP આસિસ્ટન્ટ કમિશનર બ્રિજિટ ગૌબિને આરોપ લગાવ્યો હતો કે, 'ભારત દક્ષિણ એશિયાઈ સમુદાય, ખાસ કરીને ખાલિસ્તાની તરફી તત્વોને નિશાન બનાવી રહ્યું છે. અમે જોયું છે કે ભારત સરકાર સંગઠિત અપરાધ જૂથોનો ઉપયોગ કરી રહી છે, જેની જવાબદાર એક ગેંગ છે. બિશ્નોઈ ગેંગ ભારતના એજન્ટો સાથે સંકળાયેલી છે.' 

આ પહેલા પણ વોશિંગ્ટનના એક અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા, જેમ ગયા વર્ષે એક શીખ અલગતાવાદીની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર આવા ઓપરેશન માટે લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપ છે કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ શંકાસ્પદ શીખ અલગતાવાદીઓ વિશે ગુપ્ત માહિતી એકત્ર કરે છે, જે પછી RAWને આપવામાં આવે છે. જેથી બિશ્નોઈની આગેવાની હેઠળની ગેંગના માહિતી મળી શકે. 

આ આરોપો એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે. કેનેડાએ તાજેતરમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોને નકારી કાઢતાં ભારતે કેનેડાના રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. આ પછી ભારતે તેના કેટલાક રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.

ભારત અને કેનેડા વચ્ચેના આ વિવાદે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. ભારતે કેનેડાના આરોપોને સદંતર ફગાવી દીધા છે, જ્યારે કેનેડાએ પોતાનું વલણ મજબૂત કર્યું છે અને ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. બંને દેશો વચ્ચેનો આ રાજદ્વારી સંઘર્ષ કેવી રીતે આગળ વધશે તેના પર સૌની નજર છે.