ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ

February 16, 2025

અમરેલી- ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. અત્યાર સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર છે. જોકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી હતી. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં  મતદાન પૂર્ણ થયું છે. રાજ્યની કુલ 66 નગરપાલિકાની 1844 બેઠકો, 2 નગરપાલિકાઓની 72 બેઠકો અને જૂનાગઢ મનપાની 52 બેઠકો પર મતદાન થયું. હાલ આ બેઠકો પરના તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું છે. 6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. હવે આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.


અમરેલી-રાજુલા શહેરમા પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર પરિવાર સાથે મતદાન કર્યું. વોર્ડ નંબર 6માં મતદાન કરવા કુમાર શાળા નંબર-1 પર પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પરિવાર સાથે મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. આ વખતે સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પક્ષની રહેશે તેવું જણાવ્યું હતું. અમરેલી જિલ્લામાં મતદાન દરમિયાન પોલીસનો અલગ જ ચહેરો સામે આવ્યો છે. ચલાલા પોલીસ સાચા અર્થમાં પ્રજા મિત્ર બનતી નજરે પડી હતી. પોલીસ કર્મચારીઓ વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદારોને મદદ કરતા જોવા મળ્યા હતા. 

રાજ્યમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં એક પ્રિસાઈડિંગ ઓફિસર ઇલેક્શન ડ્યુટીમાં જ દારૂ પીધેલ હાલતમાં પકડાયા છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પીધેલા ચૂંટણી અધિકારી વીરેન્દ્ર સુખાભાઈ બારિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેઓ મહેમદાવાદ પ્રાથમિક કન્યા શાળામાં ફરજ પર હતા. પીધેલી હાલતમાં ફરજ બજાવતાં અધિકારીને તાત્કાલિક હટાવવામાં આવ્યા હતા. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં વિઘ્ન આવ્યો હતો.