સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામઃ કોંગ્રેસના ધારાસભ્યની પત્નીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર

June 24, 2023

કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ પોલીસ કમિશનરને પણ ફરીયાદ કરી


ઉમરા પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી


સુરતઃ ગુજરાતમાં ચેઈન સ્નેચરોની સાથે હવે મોબાઈલ સ્નેચરો પણ બેફામ બની ગયાં છે. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્યની પત્નીનો મોબાઈલ ઝૂંટવીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે ધારાસભ્યએ સુરત પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ધારાસભ્યની પત્નીનો ફોન ઝૂંટવાની ઘટનાને લઈને ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 


પ્રાપ્ત વિગતો પ્રમાણે કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીનાં પત્ની ડો.દીપ્તિબેન ચૌધરીનો ફોન ઝૂંટવી લીધો હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. જોગર્સ પાર્ક પાસેથી દીપ્તિબેન ચૌધરી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્નેચરોએ મોબાઈલ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉમરા પોલીસ સ્ટેશનમા આજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી નજીકના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે તુષાર ચૌધરીએ પોલીસ કમિશનરને પણ ફરીયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.