મસ્કે પોસ્ટ કર્યો કમલા હેરિસનો ડીપફેક વીડિયો, શું હવે તેમના સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે?

July 30, 2024

ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક અવારનવાર સમાચારમાં રહે છે. ઈલોન મસ્કે શુક્રવારે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર  ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની મજાક ઉડાવતા એક વીડિયો શેર કર્યો છે. જેમાં AI જનરેટેડ  વોઈસ ઓવર બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યો છે. આ વીડિયોમાં એવી વાતો કહેવામાં આવી છે જે ઉપરાષ્ટ્રપતિએ ક્યારેય નથી કહી. તેમજ આ વીડિયોના કારણે ચૂંટણીમાં ગેરમાર્ગે દોરવા માટે AIની શક્તિ અંગે ચિંતા ઉભી થઈ છે. આ ડીપફેક વીડિયોને પોસ્ટ કરનાર એકાઉન્ટમાં 'કમલા હેરિસ કેમ્પેઈન એડ પેરોડી' એવું ડિસ્ક્લેમર લખવામાં આવ્યું હતું. જેના કારણે એવું કહી શકાય કે આ વીડિયો X ની નીતિનું ઉલ્લંઘન કરતું નથી, પરંતુ આ ડિસ્ક્લેમર મસ્કની રીપોસ્ટમાં દેખાતું નથી. મસ્કે હસતા ઇમોજી સાથે લખ્યું, 'આ અદ્ભુત છે.' આ પોસ્ટને લઈને મસ્ક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો સમય જ કહેશે, પરંતુ ચૂંટણીમાં AIની ભૂમિકા પર સવાલો ચોક્કસ ઉઠે છે. આમ તો હવે અવારનવાર ડીપફેક વીડિયો જોવા મળે છે, પરંતુ આ તાજેતરનો વીડિયો ચૂંટણીને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે જોઈ શકાય છે. ડીપફેક વીડિયો ભલે આનંદ કે મનોરંજન માટે બનાવવામાં આવ્યા હોય, પરંતુ આ વીડિયો ચૂંટણી દરમિયાન મતદારોને ગેરમાર્ગે દોરી શકે છે. તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે આ પ્રકારના કન્ટેન્ટ અંગે વધુ કડક નિયમો બનવાની જરૂર છે. જેથી ખોટી માહિતીને ફેલાતી રોકી શકાય છે. Xએ તેની નીતિથી સ્પષ્ટ કર્યું છે કે તેના પ્લેટફોર્મ પર લોકોને મૂંઝવણમાં મૂકે અથવા નુકસાન પહોંચાડે એવા વીડિયો સ્વીકારવામાં આવતા નથી.