હવે ભગવાન શ્રીકૃષ્ણને જાટ ગણાવાતા વિવાદ, મથુરામાં બજાર-ચોકમાં દિવાલો પર લખી દેવાયું

December 04, 2024

મથુરા જિલ્લાના નંદગાંવના બજાર અને સામાન્ય ઘરોની દીવાલો પર 'નદગાંવનો ઈતિહાસ' નામથી દરેક જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણની જાતિ 'જાટ' લખાવી દેવાના મામલે હોબાળો થઈ ગયો છે. આ મામલાની ગંભીરતાને જોતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના નિર્દેશ પર નગર પંચાયતની તરફથી FIR નોંધાવવામાં આવી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણને યદુવંશી માનવામાં આવે છે. થોડા દિવસો પહેલાં નંદગાંવનો ઈતિહાસ શીર્ષક હેઠળ અનેક જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણને જાટ જાતિ સાથે સંબંધિત જણાવવામાં આવ્યા છે.  પોલીસના જણાવ્યા અનુસાર, દરેક જગ્યાએ 'નંદગાંવનો ઈતિહાસ' શીર્ષક હેઠળ લખવામાં આવેલી વાતોની અંતમાં કુંવર સિંહનું નામ અને ફોન નંબર નોંધવામાં આવ્યો હતો. લોકોએ જ્યારે આ નંબર પર ફોન કરી સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો આ નંબર બંધ હતો અને બાદમાં જ્યારે રિંગ વાગી તો ફોન ઉપાડવામાં ન આવ્યો. એડીએમ શ્વેતા સિંહના નિર્દેશ પર નગર પંચાયતના ક્લાર્ક રામજીતે કથિત કુંવર સિંહ સામે ભગવાન શ્રીકૃષ્ણ વિશે ખોટી જાણકારી આપવા અને લોકોની લાગણીઓ દુભાવવાને લઈને મંગળવારે એક FIR નોંધાવી છે. પોલીસ આ કથિત આરોપીની તપાસમાં જોડાઈ ગઈ છે. બરસાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર (SHO) અરવિંદ કુમાર નિર્વાલે જણાવ્યું કે, નગર પંચાયતના ક્લાર્કની ફરિયાદના આધારે સંબંધિત કલમોમાં એફઆઈઆર નોંધી આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આ વ્યક્તિની ઓળખ અને ઠેકાણા વિશે જાણકારી નથી મળી. તેમના દ્વારા જાહેર કરવામાં આવેલો ફોન નંબર પણ બંધ આવી રહ્યો છે. ટેલિકોમ્યુનિકેશન કંપની પાસેથી આ નંબર માટે જમા કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. નગર પંચાયતે તમામ જગ્યાથી આ પ્રકારની ટિપ્પણી હટાવી દીધી છે.