હવે RBIની અદાણી સામે લાલ આંખ:બેંકોને પૂછ્યું - અદાણી ગ્રુપને કેટલી લોન આપી?

February 02, 2023

RBIએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (AEL)ને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે. જોકે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, RBIના અધિકારીઓએ આ અંગે કંઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલો FPO રદ કર્યા પછી ગુરુવારે ગ્રુપના શેરમાં 10% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, લોકસભા અને રાજ્યસભામાં આ મામલાની તપાસની માગને લઈને હોબાળો થયો હતો. એેને કારણે બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. બુધવારે મોડી રાત્રે અદાણી ગ્રુપે 20 હજાર કરોડ રૂપિયાના સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલા FPOને રદ કરી દીધો હતો. કંપનીએ કહ્યું હતું કે રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. આ પહેલાં બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 26.70% ઘટીને 2,179.75 પર બંધ રહ્યા હતા. આ જ કારણ હતું કે અદાણી ગ્રુપે FPO પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝીસ 20 હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરના FPO સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇક્વિટી શેર આંશિક રીતે પેઇડ-અપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ FPO સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થયો હતો.

FPO રદ કર્યા બાદ ગૌતમ અદાણીએ એક વીડિયો સંદેશ આપ્યો હતો, જેમાં રોકાણકારોનો આભાર માન્યો હતો. અદાણીએ કહ્યું હતું, ગયા અઠવાડિયે સ્ટોકમાં ઉતાર-ચઢાવ હોવા છતાં કંપનીનો બિઝનેસ અને તેના મેનેજમેન્ટમાં તમારો વિશ્વાસ અમને આશ્વાસન આપતો રહે છે. મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરિ છે, બાકીનું બધું એ પછી આવે છે, તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે FPO રદ કર્યો છે. બોર્ડને લાગ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નથી.

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું હતું કે 'કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ મળેલી બેઠકમાં આ શેર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.'

'અદાણી એન્ટરપ્રાઇઝીસે 1 ફેબ્રુઆરીએ મળેલી બોર્ડ મિટિંગમાં નિર્ણય લીધો છે કે અમે FPOને આગળ નહીં લઈ જઈએ. હાલની પરિસ્થિતિ અને કંપનીની તાજેતરની બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના હિતમાં FPO સાથે આગળ ન વધવાનો અને વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું હતું, 'અમે FPOમાં ભાગ લેવા બદલ રોકાણકારોનો આભાર માનીએ છીએ. FPOનું સબ્સ્ક્રિપ્શન 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યું હતું.

સ્ટોક અસ્થિર હોવા છતાં આ કંપની અમારા વ્યવસાય અને અમારા સંચાલનમાં તમારા વિશ્વાસ અને વિશ્વાસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. જોકે આજે બજાર સારું રહ્યું છે. અમારા શેરના ભાવમાં દિવસભર વધઘટ થતી રહી છે. આવા અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને કંપનીના બોર્ડને લાગ્યું કે આ તબક્કે આ FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. અમારા રોકાણકારોનું હિત સૌથી આગળ છે.