સુરતમાં અચાનક મોતનો વણથંભ્યો સીલસીલો : વધુ ચાર યુવાનના મોત

January 28, 2024

- ગોડાદરા અને ઉધનામાં બપોરે જમીને સુઇ ગયેલા યુવાન ઉઠયા નહીં : પાંડેસરામાં છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ તો રાંદેરમાં કામ કરતી વેળા યુવાન ઢળી પડયો


સુરત : સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત થવાના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. વધુ ચાર વ્યક્તિના અચાનક મોત નોંધાયા હતા. જેમાં ગોડાદરામાં ૪૫ વર્ષના આઘેડ, પાંડેસરામાં ૩૦ વર્ષનો યુવાન, રાંદેરમાં ૪૩ વર્ષીય યુવાન અને ઉધનામાં ૩૫ વર્ષના યુવાનની તબિયત બગડયા  બાદ મોત થયા હતા.

ગોડાદરા નારાયણ નગર રેસીડેન્સીમાં રહેતા ૪૫ વર્ષના સંતોષ વિજયસિંહ રાજપુત શુક્રવારે બપોરે ઘરમાં જમીને સુઈ ગયા હતા. બાદમા તે નહીં ઉઠતા પરિવારજનો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. સંતોષ મ્યુનિ.માં ડ્રેનેજ ખાતામાં કોન્ટ્રકટના કામ સાથે સંકળાયેલો હતો. તેને ચાર સંતાન છે. બીજા બનાવવામાં પાંડેસરા આર્વિભાવ સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો હીરાલાલ નામદેવ પાટીલને શનિવારે સવારે ઘરે અચાનક શ્વાસની તકલીફ થયા બાદ છાતીમાં દુઃખાવો ઉપાડયો હતો. બાદમાં તે બેભાન થઈ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેને એક સંતાન છે. તે સાડીમાં ડીઝાઇનીંગનું કામ કરતો હતો.


ત્રીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ રાંદેર રામનગરમાં ઝુલેલાલ મંદિર પાસે સંતોષ બેકરીમાં રહી ત્યાં જ કામ કરતો ૪૩ વર્ષનો રમેશ ચંન્દ્રરામ પ્રસાદ પાલ શુક્રવારે સવારે બેકરીમાં કામ કરતો હતો. ત્યારે તેની તબિયત બગડતા ઢળી પડતા સારવાર માટે  નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. ચોથા બનાવમાં ઉધના ત્રિશાલા પાર્કમાં રહેતો ૩૫ વર્ષનો દિનેશ મંગલચંદ જાંગીડ શનિવારે બપોરે ઘરે સુઇ ગયો હતો. બાદમાં તે નહીં ઉઠતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે કડીયા કામ કરતો હતો.