રશિયામાં આતંકવાદી હુમલો: મૃતકોની સંખ્યા વધીને 150 થઈ, યુક્રેને કહ્યું-અમારો કોઈ હાથ નથી

March 23, 2024

મોસ્કો- રશિયાના મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોનો આંકડો વધીને 150એ પહોંચી ગયો છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 120 છે. રશિયાના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધી 11 લોકોની અટકાયત કરાઈ છે. તપાસ કરનારી સમિતિના જણાવ્યા અનુસાર આ 11 લોકોમાંથી ચાર જણા સીધી રીતે હુમલામાં સામેલ હતા.


રશિયન એજન્સીઓ અને ઘણા નેતાઓનો આરોપ છે કે આ હુમલાની સીધી કડીઓ યુક્રેન સાથે જોડાયેલી છે. જો કે ISISએ નિવેદન બહાર પાડી આ હુમલાની જવાબદારી લીધી હતી. એક ખુફિયા અમેરીકન અધિકારીના જણાવ્યા અનુસાર અમેરીકન એજન્સીઓએ ખાતરી કરી છે કે આ હુમલા માટે ISIS જ જવાબદાર હતું. રશિયાની તપાસ કમિટીનું કહેવું છે કે હુમલાના સામેલ ચારેય શખ્સો રશિયાના બ્રાંસ્ક વિસ્તારમાંથી ઝડપાયા હતા. આ વિસ્તાર યુક્રેનની બોર્ડરથી ઘણો નજીક છે. સ્થછાનિક સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર એફએસબીના પ્રમુખે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પકડાયેલા શખ્સો વિશે જાણકારી આપી હતી. આ હુમલો પુતિનના ફરી રાષ્ટ્રપતિ બન્યાના કેટલાક દિવસો બાદ જ થયો છે. આ હુમલો છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં થનારો સૌથી ઘાતક હુમલો હતો. હુમલા બાદ તરત જ કેટલાક રશિયન સાંસદોએ યુક્રેન સામે આંગળી ચીંધી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર, મિખાઈલો પોડોલ્યાકે તેમની કોઈપણ જાતની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો.