ચીનની સરકાર લાવશે વિચિત્ર કાયદો, લોકોની લાગણી દુભાય તેવા કપડા પહરેવા પર પ્રતિબંધ મુકાશે

September 19, 2023

બિજિંગઃ જેમાં દેશની લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરવાનુ ગેરકાયદેસર રહેશે. આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર જે કાયદો પ્રસ્તાવિત થયો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે, ચીનના લોકોની  લાગણી દુભવે તેવા ભાષણો પણ નહીં કરી શકાય અને તે પ્રકારના કપડા પણ પહેરી નહીં શકાય. જોકે એવી અટકળો થઈ રહી છે કે, જે પોશાક પર પ્રતિબંધ મુકાશે તે પહેરીને કોઈ નાગરિક બહાર દેખાશે તો તેને પંદર દિવસની જેલ અથવા ભારતીય ચલણ પ્રમાણે 5000 રૂપિયા સુધીનો ફાઈન ભરવો પડશે.
ચીનમાં ગયા વર્ષે શાંઘાઈ નજીક સુજો નામના શહેરમાં પોલીસે એક મહિલાને તેના ડ્રેસ સામે વાંધો ઉઠાવીને અટકાયતમાં લીધી હતી. તેણે જાહેર સ્થળે કિમોનો પહેર્યો હતો અને આ એક જાપાની પોશાક છે. જાપાને બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન ચીન પર કરેલા અત્યાચારોના કારણે આજે પણ જાપાનને ચીનના લોકો કટ્ટર દુશ્મન તરીકે જુએ છે.