શુક્રવારે શિવજીની ઉપાસનાનું સમાપન, દુંદાળા દેવની ભક્તિ શરૂ થશે

September 13, 2023

ચાલુ વર્ષે શ્રાવણ માસમાં વિવિધ પર્વો, અનુષ્ઠાન વેળાએ તિથિના વિચિત્ર સંયોગને લઇને ગડમથલ જોવા મળી હતી. પહેલા રક્ષાબંધન પર્વમાં ભદ્રાના ગ્રહણને લઇને ક્યારે રાખડી બાંધવી એ મુદ્દે મૂંઝવણ જોવા મળી હતી. ત્યારબાદ જન્માષ્ટમીએ પણ સ્માર્ત અને વૈષ્ણવોની અલગ અલગ ઉજવણી થઇ હતી. વદ પક્ષમાં એકમની તિથીનો ક્ષય રહ્યો હતો. જ્યારે હવે શ્રાવણ માસની પૂર્ણાહુતિના દિવસ એવા અમાસમાં વૃદ્ધિ તિથિનો સંયોગ જોવા મળશે. નોંધનીય છે કે, ભોલેનાથની આરાધનાના અવસર એવા શ્રાાવણની ભક્તિભાવ સાથે ઉજવણી થઇ રહી છે.
 
શહેરના શિવાલયોમાં રોજેરોજની પૂજા સાથે જ સોમવારે ભક્તોની ભીડ ઉમટી રહી છે. એક મહિનો સુધી શ્રાવણના ઉપવાસ, વ્રત, અનુષ્ઠાનને કારણે ધાર્મિક ઉત્સાહ, ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં હવે શુક્રવારે શિવપાર્થેશ્વર પૂજન સમાપ્તિ સાથે જ શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. ત્યાર બાદ દુંદાળા દેવ ગણેશજીની ભક્તિના દિવસો શરૂ થશે. આગામી મંગળવારે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી સાથે જ 9 દિવસ સુધી વિઘ્નહર્તા દેવની આરાધના થશે.

14મીએ અમાસની વૃદ્ધિ તિથિ
જ્યોતિષના જણાવ્યા મુજબ, 14મીએ અમાસની વૃદ્ધિ તિથિ છે. આ અહોરાત્ર હોવાને કારણે તેને વર્જિત માનવામાં આવે છે. ગુરુવારે વહેલી સવારે 4.50 વાગ્યાથી શુક્રવારે સવારે 07.10 વાગ્યા સુધી અમાસની તિથી છે. એવામાં ગુરુવારે દર્શ-પિઠોરી અમાસ, અન્વાધાન, કુશગ્રાહિણી અમાવસ્યા ઉજવાશે. જ્યારે શુક્રવારે શિવપાર્થેશ્વર પૂજન સમાપ્તિ સાથે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. આ દિવસે આરાવારા સમાપ્તિ, પિતૃ તર્પણ રહેશે. શિવાલયોમાં અમાસની આખરી પૂજા સાથે શ્રાવણના ઉપવાસ પૂરા થશે.

બુધવારે શિવાલયોમાં ચારેય પ્રહરની પૂજા થશે
શ્રાવણ માસની પૂર્ણાહુતિ પૂર્વે બુધવારે શિવરાત્રીની શ્રદ્ધાપૂર્ણ ઉજવણી થશે. ભગવાન શિવના પ્રિય દિવસોમાં સોમવાર, શ્રાવણ માસની સાથે જ શિવરાત્રિનું ભારે મહાત્મય આંકવામાં આવે છે. બુધવારે મઘા નક્ષત્ર અને સિદ્ધ યોગમાં શિવરાત્રીની ઉજવણી થશે. દરમિયાન શિવાલયોમાં ચારેય પ્રહરની પૂજાના અનુષ્ઠાન કરાયા છે. સાંજે સૂર્યાસ્ત પછી બીજા દિવસે સૂર્યોદય સુધી ચારેય પ્રહર એટલે કે સાંજે 6થી 9, રાત્રિએ 9થી 12, મધરાત્રિએ 12થી 3 અને 3થી 6 વાગ્યાની પૂજા થશે.