ગુજરાત સરકારનું સત્તાવાર એલાન, આગામી બજેટ સત્રમાં પેપરલીક મામલે નવો કાયદો લવાશે

February 01, 2023

ગાંધીનગર: : આજે ગુજરાત સરકારના મંત્રીઓની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં વિધાનસભામાં યોજાનાર બજેટ સત્રને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું તે અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિધાનસભાના સત્રમાં પેપરલીક મામલે સરકાર નવો કાયદો લાવવામાં આવશે. 

પેપર લીક મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પેપરલીક મામલે સરકાર નવો કાયદો લાવશે. બજેટ સત્ર દરમિયાન નવો કાયદો લાવવામાં આવશે અને પેપરલીકમા સંડોવાયેલા લોકો સામે સખત સજાની જોગવાઈ કરાશે. તેમણે ઉમેર્યું કે, પોલીસે રાત્રે દોઢ વાગ્યે દરોડા કરીને આરોપીઓની ધરપકડ કરી છે. ઉમેદવારો સાથે અન્યાય ન થાય તે માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પંચાયત સેવા પસંદગી મંડળે તમામને અવગત કર્યા હતાં.

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે એટીએસ દ્વારા વિશેષ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે અને એટીએસના અધિકારીઓને પરીક્ષાનું પેપર ખરીદી કરવા માટે નાણાં આપનાર અને બુક કરાવનારની યાદી પણ મળી છે. જેને આધારે તમામની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવશે.તો સંભવિત નાણાંકીય વ્યવહારો તપાસવાની સાથે એટીએસ આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો મંગાવવામાં આવી રહી છે.