સુરતમાં મંદીએ વધુ એક રત્નકલાકારનો જીવ લીધો, આપઘાતનો વીડિયો બનાવી દુ:ખ વ્યક્ત કર્યું

April 03, 2025

સુરતમાં છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના માહોલને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. રત્નકલાકારો બેરોજગાર બની જતાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જેના કારણે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા પણ વધ્યા છે. ગત એક વર્ષમાં 65થી વધુ રત્નકલાકારોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે કામરેજના શેખપુર ગામમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રત્નકલાકારે આપઘાતનો વીડિયો બનાવીને રડતાં-રડતાં દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મંદીના કારણે આપઘાત કરી રહ્યો છું. 

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ (7 માર્ચ)ના રોજ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતાં. પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતાં. પરંતુ, હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું.