બુધવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 790 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 21950થી ગગડ્યો

February 28, 2024

આજે શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. 
બુધવારે સેન્સેક્સ 790.34 (1.08%) પોઇન્ટના ઘટાડા સાથે 72,304.88 પોઈન્ટ પર બંધ થયો. તો નિફ્ટી 247.20 (1.11%) પોઈન્ટ ગગડીને 21951.15ના પોઈન્ટ પર બંધ થયો. બુધવારના બિઝનેસ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી ટોચથી નીચે આવી ગયા.

શેરબજારમાં ફ્યુચર્સ ટ્રેડિંગની મંથલી એક્સપાયરી પહેલા જ નિફ્ટી 22,000ની નીચે સરકી ગયો હતો. ત્યારે સેન્સેક્સ લગભગ એક ટકા ઘટીને 72,300 ના સ્તર પર પહોંચી ગયો. ઘટાડાની સૌથી વધુ અસર બ્રોડર માર્કેટમાં જોવા મળી હતી.

નિફ્ટી મિડકેપ, સ્મોલકેપ અને માઇક્રોકેપ ઇન્ડેક્સમાં બે-બે ટકાનો ઘટાડો નોંધાયો. બુધવારે દલાલ સ્ટ્રીટના રોકાણકારો અંદાજિત 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ દરમિયાન બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 386 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. બુધવારે ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં સૌથી વધુ વેચવાલી ઓટો, મીડિયા, સરકારી બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં નોંધાઈ. આ અગાઉ મંગળવારે સેન્સેક્સ 305 પોઈન્ટના વધારા સાથે 73,095ના સ્તરે બંધ થયું હતું.