શેરબજારમાં આજે ઉછાળો:સેન્સેક્સ 178 પોઈન્ટ વધીને 61,940 પર બંધ, 30માંથી 21 શેર વધ્યા

May 10, 2023

મુંબઈ  : આજે એટલે કે બુધવારે (10 મે) શેરબજારમાં વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ 178 પોઈન્ટ વધીને 61,940 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 49 પોઈન્ટ વધીને 18,315ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં વધારો થયો હતો અને માત્ર 9માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 7 પૈસા વધીને 81.99 રૂપિયા પર બંધ થયો હતો.

PSU બેન્ક સેક્ટર 1.06% ઘટીને બંધ થયું. બીજા હાફમાં ઓટો અને રિયલ્ટીમાં ખરીદીને કારણે બજાર સુધર્યું. ઓટો 0.75% અને રિયલ્ટી 0.86% વધીને બંધ થયા છે. ઇન્ડસઇન્ડ બેન્ક નિફ્ટીમાં 2.77%ના વધારા સાથે ટોપ ગેઇનર હતી, જ્યારે UPL ઇન્ડેક્સમાં 2%ના ઘટાડા સાથે ટોપ લૂઝર હતી.

ભારતીય ટાયર નિર્માતા કંપની એપોલો ટાયર્સ લિ.એ મંગળવારે ચોથા ક્વાર્ટરના નફામાં લગભગ ચાર ગણો ઉછાળો નોંધાવ્યો હતો. કંપનીનો નફો 31 માર્ચે પૂરા થયેલા ક્વાર્ટરમાં લગભગ ચાર ગણો વધીને રૂ. 427 કરોડ ($52.21 મિલિયન) થયો હતો જે એક વર્ષ અગાઉ રૂ. 113 કરોડ હતો. એપોલોની કામગીરીમાંથી આવક 12% વધીને રૂ. 6,247 કરોડ થઈ છે.

અગાઉ મંગળવારે (9 મે) શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 2 પોઈન્ટના ઘટાડા સાથે 61,761ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં માત્ર 1 પોઈન્ટનો વધારો થયો હતો, તે 18,265ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરોમાં ઉછાળો જોવા મળ્યો અને માત્ર 11માં ઘટાડો થયો.