સુરત ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન બહારથી 79.240 ગ્રામ ચરસ સાથે બે ને ઝડપ્યા

January 17, 2023

સુરત :સુરત ક્રાઈમ બ્રાન્ચે સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશથી ચરસ લઈ સુરત સ્ટેશને ટ્રેનમાંથી ઉતરેલા અડાજણના યુવક-યુવતીને રેલવે સ્ટેશન બહારથી 79.240 ગ્રામ ચરસ સાથે ઝડપી લીધા હતા.બંનેએ ચરસ પોતાના ઉપયોગ માટે કુલુ ખાતે બ્રિજ નજીક કેફેની દુકાનવાળા નેપાળી જેવા દેખાતા ચાચા પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગતરાત્રે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી હતી અને 8.30 વાગ્યે ચંદીગઢથી ગોવા જતી સંપર્ક ક્રાંતિ ટ્રેન આવ્યા બાદ રેલવે સ્ટેશનના પાર્કીંગમાંથી બહાર નીકળેલા બાતમી મુજબના યુવક-યુવતી નજરે ચઢતા તેમની અટકાયત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે તેમને નજીકની ટ્રાફિક પોલીસ ચોકીમાં લઈ જઈ તેમની બેગની જડતી લેતા યુવાન શ્રેયાંસ રાકેશભાઈ ગાંધી ( ઉ.વ.23, રહે.સી/13/14, હનીપાર્ક સોસાયટી, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત ) પાસેની બેગમાં કપડાં વચ્ચે પ્લાસ્ટીકની પારદર્શક ઝીપ બેગમાંથી તેમજ યુવતી પ્રીતિ જીતેન્દ્રભાઈ પટેલ ( ઉ.વ.20, રહે.ઘર નં.5, શિવમ સોસાયટી, પ્રાઈમ આર્કેડ પાસે, અડાજણ, સુરત ) પાસેની બે બેગમાં કપડાં વચ્ચે પ્લાસ્ટીકની બે પારદર્શક ઝીપ બેગમાંથી કુલ 79.240 ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે બનેંની અટકાયત કરી તેમની પાસેથી રૂ.11,886 ની મત્તાના ચરસ ઉપરાંત રૂ.45 હજારની મત્તાના બે મોબાઈલ ફોન, રોકડા રૂ.1080 મળી કુલ રૂ.59,996 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા તેમણે ચરસ પોતાના ઉપયોગ માટે કુલુ ખાતે બ્રિજ નજીક કેફેની દુકાનવાળા નેપાળી જેવા દેખાતા ચાચા પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.