રશિયાના વોલ્ગોગ્રાડમાં ટ્રેન પાટા પરથી ઉતરી, 100થી વધુ

July 30, 2024

રશિયાના દક્ષિણમાં આવેલા વોલ્ગોગ્રાડ વિસ્તારમાં સોમવારે એક પ્રવાસી ટ્રેન રેલવે ટ્રેક પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેનમાં 800થી વધુ લોકો સવાર હતા. દુર્ઘટના અગાઉ ટ્રેન એક ટ્રકથી અથડાઈ હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ વધુ જાનહાનિ નથી થઈ. 20 કોચ ધરાવતી પ્રવાસી ટ્રેન રશિયાના રિસોર્ટ શહેર એડલર જઈ રહી હતી. આ અકસ્માત બપોરના 12.30 વાગ્યે થયો હતો.

રશિયાના વોલ્ગોગ્રાડના અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનના નવ ડબ્બા રેલવે ટ્રેકથી ઉતર્યા હતા. તેઓએ જણાવ્યું કે ટ્રેનમાં કુલ 813 પ્રવાસી સવાર હતા. ઓછામાં ઓછા 110 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આશરે 16 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ટ્રકડ્રાયવરનો બચાવ થયો છે. પરંતુ તેના માથે અને પગે ભારે ઈજાઓ થઈ છે. રશિયન તંત્રએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

અગાઉ પણ દુર્ઘટના થઈ છે
આ અગાઉ આ વર્ષે જૂનમાં રશિયાના કોમીમાં ભીષણ રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક પ્રવાસી ટ્રેનના નવ કોચ રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે પ્રવાસી ટ્રેન ઉત્તર પૂર્વ કોમીમાં વોરકુટાથી નોવોરોસિએક્સના બ્લેક સી બંદરે જઈ રહી હતી. બંને સ્થળે વચ્ચેનું અંતર પાંચ હજાર કિલોમીટર છે.