બિહારના કટિહારમાં 18 લોકોને લઈને જતી બોટ પલટી જતા ત્રણના મોત, સાત હજુ ગુમ

January 19, 2025

કટિહાર : બિહારના કટિહારમાં ગંગા નદીના ગોલાઘાટ નજીક બોટ ડૂબી જતાં તેમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સાત લોકો ગુમ છે. સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે, આ બોટમાં લગભગ 18 લોકો સવાર હતા. ક્ષમતા કરતાં વધુ લોકો સવાર થતાં બોટ પલટી ખાઈ ગઈ હતી.


રવિવાર સવારે સાત વાગ્યે બુધનગર અને કિશનપુરના રહેવાસીઓ નાનકડી બોટમાં સવાર થઈ પડોશી રાજ્ય ઝારખંડના સાહિબગંજમાં બાસકોલ સ્થિત સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. ક્ષમતાથી વધુ લોકો બોટમાં સવાર થતાં દુર્ઘટના બની હતી. પોલીસ અને પ્રશાસને બચાવ કામગીરી હાથ ધરી છે. હજી સુધી માત્ર ત્રણ લોકોના મૃતદેહો મળી આવ્યા છે. અન્ય સાત ગુમ છે. આઠ લોકોને તરતાં આવડતું હોવાથી તેઓ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. કટિહારના દિયારા ક્ષેત્રમાં નદીની આસપાસ ખેતરો હોવાથી લોકોના પરિવહન માટે બોટ મુખ્ય સાધન છે. લોકો બોટમાં જ સવાર થઈ ખેતરોમાં કામ કરવા જાય છે. જો કે, ઘણીવખત ક્ષમતા કરતાં વધુ લોકો બોટમાં સવાર થતાં હોવાથી અનેકવાર બોટ પલટી જવાના કિસ્સા બનતા રહે છે. અગાઉ નવેમ્બર, 2024માં કટિહારની મનિહારી ગંગા નદીમાં ક્ષમતા કરતાં વધુ લોકો બોટમાં સવાર થતાં આ પ્રકારની દુર્ઘટના બની હતી. જેમાં બે લોકો ગુમ થયા હતાં.