કેન્યામાં શિપિંગ કન્ટેનર્સમાંથી એફોર્ડેબલ અને આલિશાન આવાસ તૈયાર કરવાનો ટ્રેન્ડ

July 30, 2024

કંપાલા: દુનિયા ભરના બંદરગાહો પર લાખો શિપિંગ કન્ટેનર્સ ખાલી પડયા રહે છે. આવરદા પુરી થાય ત્યારે નિવૃત કરતા શિપિંગ કન્ટેનરમાંથી સસ્તા આવાસ તૈયાર કરવાનું દુનિયામાં અનેક ઠેકાણે ચાલે છે પરંતુ આફ્રિકાના કેન્યામાં કન્ટેનર મકાન સૌથી વધુ લોકપ્રિય થઇ રહયા છે. 
રહેઠાણએ દરેક વ્યકિતની પાયાની જરુરિયાત છે અને તેને પ્રાપ્ત કરવું દરેક માટે શકય બનતું નથી. આથી જ તો ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો ઝુગ્ગી -ઝુંપડીઓમાં રહેવા મજબૂર બને છે. કેન્યામાં ૨.૬ કરોડ લોકો અસુરક્ષિત આવાસોમાં રહે છે. જેને એફોર્ડેબલ કહી શકાય તેવી સસ્તી કિંમતના ૨ કરોડ રહેઠાણોની જરુરિયાત છે. આવા સંજોગોમાં સસ્તા અને ટકાઉ વિકલ્પ તરીકે શિપિંગ કન્ટેનરોમાંથી ઘર તૈયાર કરવામાં આવી રહયા છે. કાર્ગો કન્ટેનરને વૈકલ્પિક આવાસ તરીકે જોવામાં આવી રહયા છે. જેને વૈકલ્પિક કાર્યાલય કે મકાનની થોડાક સમય માટે જરુર હોય તેમના માટે પણ ઉપયોગી બને છે.કન્ટેનર મકાનોમાં બારીઓ,દરવાજા અને વેન્ટિલેટર્સની સ્થિતિ હવામાનને અનુકૂળ તૈયાર કરવામાં આવે છે. અંદરનું રાચરચિલું જોતા એક અદભૂત ઘર તૈયાર થાય છે. અનેક કન્સ્ટ્રકશન કંપનીઓ મોડયૂલર ક્ન્ટેનર ઓફિસ અને હાઉસ તૈયાર કરવામાં ઝંપલાવી રહી છે. પરંપરાગત રીતે બનતા મકાનોની સરખામણીમાં ક્ન્ટેનર આવાસમાં ખર્ચ ઓછો થાય છે.  મકાનના પાયામાં જે ખર્ચ કરવો પડે છે તેની બચત થાય છે. ખાસ કરીને ઢોળાવો કે જયાં ખોદકામ શકય ના હોય ત્યાં પણ ઉપયોગી છે. રેત, સિમેન્ટ અને બ્રિકસ જેવી નિર્માણ સામગ્રીની સરખામણીમાં પરિવહન વધુ સરળ છે. કન્ટેનરથી બે બેડરુમનું મકાન તૈયાર ૧ મહિનામાં તૈયાર થઇ જાય છે જયારે પરંપરાગત મકાન તૈયાર કરવામાં ૪ થી ૬ મહિના જેટલો સમય લાગે છે. કન્ટેનર આવાસમાં લાકડાનો ઉપયોગ થતો ન હોવાથી પર્યાવરણને અનુકૂળ છે. ઇંટોના નિર્માણમાં જે પ્રદૂષણ થાય છે તેનો પણ સામનો કરવો પડતો નથી. કન્ટેનર આવાસોને ૨૦ થી ૨૫ વર્ષ સુધી ચાલે છે જયારે રેતી સિમેન્ટના બાંધકામ જલદીથી તૂટી જાય છે.