નાઈઝીરિયામાં બે માળની શાળા ધરાશાયી, 22 વિદ્યાર્થીઓનાં મોત, 132 ઈજાગ્રસ્ત

July 13, 2024

ઉત્તર-મધ્ય નાઈઝીરિયામાં ગત રોજ ચાલુ શાળાએ બે માળની શાળા ધરાશાયી થઈ ગઈ હતી. જેથી આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે 132 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. નાઈઝીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ આ અંગેની જાણકારી આપી હતી. ધરાશાયી થયેલી શાળાના કાટમાળમાં કુલ 154 વિદ્યાર્થીઓ દટાયા હતા, જો કે એમાંથી 132ને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે જુદીજુદી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 22 વિદ્યાર્થીઓનાં મોત થયા હતા.

નાઈઝીરિયાના પઠારી રાજ્યના બુસા બુઝી સમુદાયમાં સેંટસ એકેડમી કૉલેજના વિદ્યાર્થીઓ આવ્યા પછી તરત શાળાનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓની ઉંમર 15 વર્ષ અથવા એનાથી પણ ઓછી હતી. જો કે, દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ હતી.

નાઈઝીરિયાની રાષ્ટ્રીય કટોકટી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે દુર્ઘટનાને લીધે તરત બચાવ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ સુરક્ષાદળોને ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. રાજ્યની માહિતી કચેરીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તાત્કાલિક તબીબી સારવારની દેખરેખ રાખવા સરકારે હોસ્પિટલોને કોઈપણ દસ્તાવેજ અથવા પૈસાની ચુકવણી વગર સારવારને પ્રાથમિકતા આપવાના નિર્દેશ આપ્યા હતા.