ખાનગી સ્કૂલોને તાકીદ: ફીની માહિતી નોટિસ બોર્ડ પર નહીં મૂકનારી સ્કૂલની માન્યતા રદ થશે

September 11, 2024

ખાનગી શાળાઓ માટે સરકારે ફી રેગ્યુલેશન એક્ટ હેઠળ કડક જોગવાઈ અને આદેશ કર્યાં છે. તેમ છતાં અમદાવાદની અનેક શાળાઓ નોટિસ બોર્ડ પર ફી કમિટીના ઓર્ડર સહિતની કોઈ જ માહિતી મુકતી નથી. આ બાબતે ફરિયાદો અને વિગતો ઘ્યાને આવતા ડીઈઓએ તમામ ખાનગી શાળાઓને પરિપત્ર કરીને ફરજીયાત ફીનો ઓર્ડર સ્કૂલના નોટિસ બોર્ડ પર મુકવા આદેશ કર્યો છે. જો શાળા ઓર્ડર નહીં મુકે તો માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ખાનગી શાળાઓની ફી માટે રાજ્ય સરકાર દ્વારા 2017માં લાગુ કરવામાં આવેલી ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન એક્ટ હેઠળ, ખાનગી શાળાઓની ફી તેમની દરખાસ્ત અને એફિડેવિટના આધારે ફી કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે છે. એક્ટ મુજબ ફી કમિટી જે ઓર્ડર આપે તે શાળાઓને ફરજિયાત નોટિસ બોર્ડ પર મુકવાનો હોય છે. જેથી વાલીઓને ફી અંગે તમામ માહિતી મળી શકે.  અમદાવાદ શહેર ડીઈઓએ તમામ ખાનગી સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કર્યો છે કે, ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) એક્ટ 2017 અન્વયે કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલી ચાલુ વર્ષની તેમજ જે ફી લેવામાં આવતી હોય તે એફઆરસી ઓર્ડરની નકલ વિદ્યાર્થી-વાલી જોઈ શકે તે મુજબ નોટિસ બોર્ડ અને શાળાની વેબસાઈટ પર મુકવામાં આવે. તેમ છતાં કેટલીક શાળાઓએ નોટિસ બોર્ડ પર અને સ્કૂલની વેબસાઈટ પર ઓર્ડર મુક્યો નથી. જેથી તાકીદે સ્કૂલોને ફી ઓર્ડર વેબસાઈટ પર અને નોટિસ બોર્ડ મુકવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નોટિસ બોર્ડ અને વેબસાઈટ પર ઓર્ડર મુકાઈ ગયો છે તેના ફોટા ડીઈઓ કચેરીના નિરિક્ષકને મોકલવાની પણ કડક સૂચના આપવામાં આવી છે. જો શાળા એક્ટની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરશે અને ફીની વિગતો નોટિસ બોર્ડ-વેબસાઈટ પર નહીં મુકે તો દંડ સાથે સ્કૂલની માન્યતા રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.