વડોદરામાં વિનાશક પૂર માટે કારણભૂત વિશ્વામિત્રી અને ભૂખી કાંસ પરના દબાણો હટાવવાની માંગ સાથે હોર્ડિંગ લાગ્યા

September 10, 2024

વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના વિનાશક પૂરને લીધે લોકોને ભારે નુકસાન થયું છે. લોકોનો આક્રોશ કોર્પોરેશન સામે ભભૂકી રહ્યો છે. શહેરના ઉત્તર ઝોનમાં કે જ્યાંથી ભૂખી કાંસ પસાર થાય છે તેને લીધે પણ આ વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતા પૂર આવ્યા હતા. વિશ્વામિત્રી અને ભૂખી કાંસ પર ગેરકાયદે દબાણો થવાના લીધે પાણીનું વહન અટકતા ભારે જળબંબાકારની સ્થિતિમાં વિનાશક પૂર આવ્યા હતા. વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિ દ્વારા શહેરમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવા અને તંત્ર નક્કર કામગીરી કરે તે માટે એલએન્ડટી સર્કલ, નિઝામપુરા વગેરે વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. એક હોર્ડિંગ તો ટ્રાન્સપોર્ટ હબ પાસે ભુખી કાંસ દબાવી દેવામાં આવ્યો છે ત્યાં જ માર્યું છે. આ હોર્ડિંગ્સમાં સંસ્કારી નગરીનો સુર વ્યક્ત કરાયો છે. જેમાં કહ્યું છે કે વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરો. ઉત્તર ઝોનની જનતાનો એક જ સૂર કે કાંસને દબાણોથી દૂર રાખો. આ હોર્ડિંગમાં સંસ્કારી નગરીના નાગરિકોની બીજી કેટલીક માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં આક્રોશભેર જણાવાયું છે કે વિશ્વામિત્રી નદીના વહેણ વિસ્તારમાં થયેલ નિયમ વિરુધ્ધના તમામ બાંધકામો તથા દબાણો દૂર કરવા જોઈએ અને સુપ્રિમ કોર્ટ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તથા જીડીસીઆરની માર્ગદર્શિકા તેમજ નિયમો વિરુધ્ધના જે બાંધકામો હોય તે હટાવવા જોઈએ. સર સયાજીરાવ ગાયકવાડના સમયની વિશ્વામિત્રી નદીને મૂળસ્વરૂપમાં સંસ્કારી નગરીને પાછી આપવા પણ માંગ કરી છે. એટલું જ નહીં ખુલ્લેઆમ વિશ્વામિત્રી નદીમાં ગટરના જે પાણી છોડવામાં આવે છે તે બંધ કરવા કહ્યું છે. ભૂખી કાંસ ઉપર બાંધકામો થઈ જતા અને સાંકડો બની જતા તેના કારણે ઉપરથી આવતા પાણીનું વહેણ પણ અટકી જાય છે. જેથી સમિતિ દ્વારા ભૂખી કાંસ ઉપરના નિયમ વિરુદ્ધના તથા ગેરકાયદે થયેલા તમામ બાંધકામો તથા દબાણો તાત્કાલીક દૂર કરવા તંત્રને હોર્ડિંગના માધ્યમથી અપીલ કરાઈ છે. આની સાથે-સાથે શહેરની હદ વિસ્તારમાં આવેલ ભૂખી કાંસને મૂળ સ્વરૂપમાં પહોળી અને ખુલ્લી રાખવા સૂચન કર્યું છે. ભૂખી કાંસનું ઉપરવાસનું પાણી શહેરમાં આવતું અટકાવવા માટે "ભૂખી ડાયવર્ઝન યોજના' નો ત્વરીત અમલ કરવા માંગણી કરી છે" વિશ્વામિત્રી નદીને નિર્મળ વહેવા દો..." અને"ભૂખી કાંસનું દર્દ કાયમી દૂર કરો.. તેવી લાગણી પણ આ હોર્ડિંગમાં ઠાલવી છે.