અંગ્રેજીમાં સહી કરો છો, ત્યારે ક્યાં જાય છે તમિલ પર ગર્વ : મોદી

April 06, 2025

રામેશ્વરમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (6 એપ્રિલ, 2025) રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધિત કરતી વખતે, ભાષા વિવાદને ભડકાવવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને તેમની પાર્ટી ડીએમકે પર નિશાન સાધ્યું હતું.


એમકે સ્ટાલિન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, 'તમિલનાડુના મંત્રીઓ તમિલ ભાષા વિશે ગર્વથી વાત કરે છે, પરંતુ મને લખેલા તેમના પત્રો અને તેમના હસ્તાક્ષર ફક્ત અંગ્રેજીમાં છે. તેઓ તમિલ ભાષાનો ઉપયોગ શા માટે નથી કરતા? તમિલ પ્રત્યેનો તેમનો ગર્વ ક્યાં જાય છે?'


પીએમ મોદીએ તમિલનાડુ સરકારને અપીલ કરતા કહ્યું હતું કે, 'તમિલનાડુમાં 1400થી વધુ જન ઔષધિ કેન્દ્રો છે. અહીં 80 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓ ઉપલબ્ધ છે. આના પરિણામે તમિલનાડુના લોકો માટે 7 હજાર કરોડ રૂપિયાની બચત પણ થઈ છે. દેશના યુવાનોને ડોક્ટર બનવા માટે વિદેશ જવાની ફરજ નહીં પડે. આ માટે, છેલ્લા કેટલાક વર્ષોમાં તમિલનાડુમાં 11 મેડિકલ કોલેજો છે. હવે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ડોક્ટર બની શકે છે. હું તમિલનાડુ સરકારને કહેવા માંગુ છું કે તમિલ ભાષામાં મેડિકલ કોર્ષ શરૂ કરે, જેથી ગરીબ પરિવારોના દીકરા-દીકરીઓ જે અંગ્રેજી નથી જાણતા તેઓ પણ ડોક્ટર બની શકે.'
તેમણે કહ્યું હતું કે, 'છેલ્લા 10 વર્ષમાં ભારતે તેની અર્થવ્યવસ્થાનું કદ બમણું કર્યું છે. આટલા ઝડપી વિકાસનું એક મુખ્ય કારણ આપણી ઉત્તમ આધુનિક માળખાગત સુવિધા છે. છેલ્લા 10 વર્ષમાં, અમે રેલ્વે, રસ્તા, એરપોર્ટ, પાણી, બંદરો, વીજળી, ગેસ પાઇપલાઇન જેવા માળખાગત સુવિધાઓ માટેના બજેટમાં લગભગ 6 ગણો વધારો કર્યો છે.'


પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, 'મારું માનવું છે કે જો તમિલનાડુની ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવશે તો દેશનો એકંદર વિકાસ સુધરશે. 2014 પહેલા, રેલ્વે પ્રોજેક્ટ માટે દર વર્ષે ફક્ત 900 કરોડ રૂપિયા મળતા હતા. આ વર્ષે, તમિલનાડુનું રેલ્વે બજેટ 6,000 કરોડ રૂપિયાથી વધુ છે અને ભારત સરકાર અહીં 77 રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ પણ કરી રહી છે. રામેશ્વરમ રેલ્વે સ્ટેશન પણ આમાં સામેલ છે. વિકસિત ભારત તરફની સફરમાં તમિલનાડુની મોટી ભૂમિકા છે. મારું માનવું છે કે, તમિલનાડુની તાકાત જેટલી વધશે, ભારતનો વિકાસ એટલો જ ઝડપી થશે.'