ગણેશ ચતુર્થીએ કેમ બોલાય છે 'ગણપતિ બાપ્પા મોરિયા’

September 23, 2023

દેશભરમાં અત્યારે ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે. સવાર સાંજ મંદિર હોય કે ઘર, શેરી, પોળ, રસ્તાઓ...તમામ જગ્યાઓએ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયાની ધૂમ સાંભળવા મળી રહી છે. પણ શું તમને એ ખબર છે કે ગણપતિ બાપ્પા મોરિયા બોલાય છે ત્યારે તેમાં બોલાતા મોરિયા શબ્દનો અર્થ શું છે.

કોણ હતા મોરિયા

મોરિયા એ કર્ણાટકના એક સંત હતા. મરાઠી ગ્રંથોમાં તેમના નામનો ઉલ્લેખ છે. આ સંત મોટા ગણેશ ભક્ત પણ માનવામાં આવતા હતા અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બાપ્પાએ તેમને પોતે આર્શીવાદ આપ્યા હતા. કહેવાય છે કે મોરિયા ગોસાવી શાલિગ્રામ કર્ણાટકના બિડાર ગામમાં 14મી સદીમાં જન્મ્યા હતા. આ સાથે એમ કહેવાય છે કે તેમની ગણેશ ભક્તિથી પ્રસન્ન થઈને દાદાએ તેમને મયુરેશ્વરના રૂપમાં સાક્ષાત દર્શન આપીને ધન્યતાનો અનુભવ કરાવ્યો હતો.

જાણો મોરિયાને બાપ્પાએ આપ્યું શું વરદાન

જ્યારે ગણેશજી મોરિયાની ભક્તિથી પ્રસન્ન થયા ત્યારે તેઓએ મોરિયાને કહ્યું કે વરદાન માંગ. તું કહીશ તે આપીશ. તેણે કહ્યું તે ગણેશજી સાથે એક થવા માંગે છે. આ દિવસથી મોરિયાનું નામ ગણેશજી સાથે જોડાયું. મોરિયાએ 42 દિવસના ઉપવાસ કર્યા અને આધ્યાત્મિકતા કેળવી. સાત પેઢી સુધી તેમના વંશના લોકો પણ ગણેશજીની પૂજા આરાધના કરતા રહ્યો. તમને ભાગ્યે જ ખ્યાલ હશે પણ થિયુરનું ચિંતામણિ મંદિર અષ્ટવિનાયકની યાત્રામાંનું એક માનવામાં આવે છે. તેનું ઉદ્ભવ સ્થાન મોરિયા સાથે ખાસ સંબંધ ધરાવે છે.

અમદાવાદ સાથે પણ છે મોરિયાનો ખાસ સંબંધ
આપણા ગ્રંથોમાં કહેવાયું છે કે અમદાવાદના સિદ્ધિવિનાયક અને મોરેગાંવના મોરેશ્વર મંદિરમાં પણ મોરિયાએ તપ કર્યું. આ પછી પુણે ગયા અને અહીં મંદિર બનાવ્યું અને સાથે અન્નદાનનું મહત્ત્વ સમજાવીને ગરીબોના ભોજન માટે રસોડાની પણ શરૂઆત કરી હતી.

કેટલું જીવ્યા મોરિયા અને ક્યાં ત્યાગ્યો દેહ
એક રેકોર્ડ અનુસાર મોરિયાએ સમાધિની મદદથી પોતાનો જીવ ત્યાગ્યો હતો. આ દિવસ એટલે 1561ના માગશર મહિનાની છઠ્ઠ. ત્યારથી આ પરિવારની અટક પણ બદલાઈ. શાલિગ્રામના બદલે તેઓ દેવથી ઓળખાયા. જે લોકો મોરિયાના મંદિરની મુલાકાત લેતા તેઓ મંગલ મૂર્તિ મોરિયાના નારા લગાવતા અને પછી તેને ગણેશજી સાથે જોડીને ગણપતિ બાપ્પા મોરિયાના નામે પ્રચલિત કરાયું. ચિંચવાડમાં તેમના નામે એક રોડ અને મંદિર પણ છે.

ચિંચવાડમાં મોરિયા ગોસ્વામીના નામે આધુનિક મંદિર પણ
હાલનું મંદિર 456 વર્ષ પહેલા બંધાયેલા પ્રથમ મંદિર કરતા વધારે આધુનિક છે. મંદિર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેમાં ગણેશજીની મૂર્તિ મોરિયા ગોસાવીના મસ્તક પર છે. આ મંદિરની ખાસ મૂર્તિ બનાવવાની શરૂઆત 27 ઓક્ટોબર 1658માં કરવામાં આવી હતી અને તે 13 જૂન 1659 રોજ બનીને તૈયાર થઈ હતી. ઉલ્લેખનીય છે કે ચિંચવાડમાં મોરિયા ગોસ્વામીના નામે એક ગાર્ડન પણ છે.