ડેપ્યુટી CM બન્યા બાદ એક્ટર સામે હાઈકોર્ટમાં કેસ, અરજદારે કહ્યું - એક્ટિંગ કેવી રીતે કરી શકે?

August 20, 2025

આંધ્ર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી પવન કલ્યાણ સામે પૂર્વ IAS અધિકારીએ અરજી દાખલ કરી છે. પૂર્વ IAS અધિકારી વિજય કુમારે કરેલી અરજીમાં પવનને મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર રોક લગાવવા માટેની માંગ કરવામાં આવી છે. IAS અધિકારીએ અરજીમાં ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ સામે એવો પણ આરોપ લગાવ્યો છે કે પવને તેના હોદ્દાનો અને સરકારી નાણાંનો દુરુપયોગ કરી તેની નવી ફિલ્મ ‘હરિ હારા વીરા મલ્લુ’નું નિર્માણ કર્યું છે. જોકે, હાઇકોર્ટે CBI, ACB અને પવનને નોટિસ મોકલવાની માંગણીને ફગાવી દીધી છે.  કોર્ટમાં આ કેસની સુનાવણી આવતા અઠવાડિયે થશે. ભૂતપૂર્વ IAS અધિકારી વિજય કુમારે એક યૂટ્યૂબ ચેનલના પૉડકાસ્ટમાં ઉપ મુખ્યમંત્રી પવન કલ્યાણ સામે કરેલી અરજીનું કારણ જણાવ્યું હતું. વિજયે કહ્યું અભિનેતા-રાજકારણીનું આ કૃત્ય ગેરબંધારણીય છે. તેણે જણાવ્યું, 'પવન કલ્યાણ આજે આંધ્ર પ્રદેશ સરકારના ઉપ મુખ્યમંત્રી છે. એનો અર્થ એ છે કે તેઓ ચોવીસ કલાક ડ્યૂટી પર છે. કોઈપણ મંત્રી જ્યારે શપથ લે છે, તે તેના બધા અન્ય ખાનગી વ્યવસાયોને પાછળ છોડી દે છે. શપથ લીધા બાદ તેઓ ફિલ્મોમાં કેવી રીતે અભિનય કરી શકે?'  ભૂતપૂર્વ IAS આ અધિકારીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ફિલ્મની ટિકિટની કિંમત વધારવા પર ઉપમુખ્ય મંત્રીની સહમતી હતી. તેણે કહ્યું,' ઉપમુખ્યમંત્રી ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે, અને તેનો પ્રચાર પણ કરી રહ્યા છે. નિર્માતાઓને વધુ લાભ મળે તે માટે ફિલ્મોને ટિકિટની કિંમતો પણ વધારવાની પરવાનગી આપી રહ્યા છે. ડેપ્યુટી સીએમએ એ પણ સ્વીકાર્યું કે તેમણે જાણી-જોઈને ટિકિટની કિંમતો વધારી છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે તેઓ ફક્ત પૈસા કમાવવા માટે ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે. અમે આ કારણે તેમની સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે'