સેમસંગને પાછળ રાખી એપલ દેશમાંથી સૌથી મોટી સ્માર્ટફોન નિકાસકાર બની

September 24, 2023

ભારતમાંથી સૌથી મોટા સ્માર્ટફોન નિકાસકાર તરીકે એપલે સેમસંગને પાછળ રાખી દીધી છે. એક મીડિયા અહેવાલ મુજબ જૂન ક્વાર્ટરમાં ભારતમાંથી કુલ 1.2 કરોડ સ્માર્ટફોન નિકાસમાં 49 ટકા હિસ્સો એપલનો હતો. જ્યારે સેમસંગનો હિસ્સો 45 ટકા જેટલો જોવા મળતો હતો.

નોંધવું રહ્યું કે કુપર્ટીનો-બેઝ્ડ કંપની ગયા વર્ષે એપ્રિલ અને જૂન વચ્ચે ભારતીય સ્માર્ટફેન નિકાસમાં માત્ર 9 ટકા હિસ્સો ધરાવતી હતી. હવે, વોલ્યુમ સંદર્ભમાં તે દેશમાંથી નિકાસનો અડધો અડધ હિસ્સો ધરાવે છે. એપલ તેના પ્રિમીયમ અને સુપર પ્રીમિયમ સેગમેન્ટને કારણે મૂલ્યના સંદર્ભમાં સૌથી મોટા નિકાસકારનો ટેગ અગાઉથી જ મેળવી ચૂકી છે.

એપલ ત્રણ કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર્સ હેઠળ ભારતમાં આઇફોન્સનું ઉત્પાદન ધરાવે છે. તેના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર્સમાં ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોનનો સમાવેશ થાય છે. તેણે ભારતમાં વધતાં બજાર હિસ્સા તેમજ નિકાસને જોતાં આઈફોન 14 અને તેની નીચેના મોડેલ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

ફોક્સકોને તેના ચેન્નાઈ પ્લાન્ટ ખાતે નવા લોન્ચ થયેલાં આઈફોન 15નું ઉત્પાદન પણ શરૂ કર્યું છે. આ ઈન્ડિયા-મેડ યુનિટ્સનું વેચાણ શુક્રવારથી શરૂ થયું હતું. રિપોર્ટ મુજબ આ જ પ્લાન્ટમાં કંપની આઈફોન 15 પ્લસ મોડેલ્સનું ઉત્પાદન પણ શરૂ કરશે. વધુમાં આ ત્રણેય મેન્યૂફેક્ચરર્સ કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી પ્રોડક્શન-લિંક્ડ- ઈન્સેન્ટિવ(પીએલઆઈ) સ્કીમનો ભાગ છે.