કબરાઉ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, આખરે 10 દિવસે બાપુએ મૌન તોડી આપી ચેતવણી

December 04, 2024

ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ પાસે કબરાઉ આવેલું છે. આ કબરાઉ ધામ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જોકે, હાલ આ કબરાઉ ધામ છેલ્લાં ઘણાં દિવસોથી ચર્ચામાં છે. હકીકતમાં, 25 ડિસેમ્બરે કબરાઉ ઘામના મણિધર બાપુની પુખ્ત વયની દીકરીનું અપહરણ થયા હોવાની માહિતી સામે આવી હતી. બાદમાં જાણ થઈ કે, બાપુની દીકરીએ ભૂજના એક ધર્મેન્દ્ર ડાબી નામના યુવક સાથે કાયદેસર રીતે લગ્ન કરી લીધાં છે અને તેના ફોટા તેમજ સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા હતાં. એવામાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ લખાવામાં આવી હતી. જેના આધારે પોલીસે બંનેને શોધી કાઢ્યા અને બાપુની દીકરીને કબરાઉ ધામ પરત મોકલી દીધી છે. સમગ્ર મુદ્દે આટલા સમયથી મૌન કબરાઉ ધામના બાપુએ હવે પોતાનું મૌન તોડી પોતાનું નિવેદન આપ્યું છે. સમગ્ર મામલે કબરાઉ ધામના બાપુએ કહ્યું કે, 'બાપુને કોઈ ફરક પડવાનો નથી. મારે મોગલથી મતલબ છે અને જે કરશે એ મોગલ જ કરશે. જે પણ લોકો આમા સામેલ હશે, આંગળી ચિંધનારો, રસ્તો બતાવનારો તેમજ સાચું-ખોટું બોલનારાનું કાંઈ નહીં વધે. બાપુ પાસે અહીં અઢારેય વર્ણની દીકરીઓ આવે છે અને સેવા કરે છે. અમે તો સંત છીએ અને અમારો સ્વભાવ તો ક્ષમા કરવાનો છે. હું દુઃખનો ભિખારી છું. તમારા તમામ દુઃખ મને આપો. આટલાં બધાં દુઃખ બાદ લીધા બાદ આ દુઃખ મને શું નડવાનું? પણ એટલું ધ્યાન રાખજો કે, જેણે પણ આ કર્યું હશે તેને મારી માતાજી જોઈ લેશે.' આ મુદ્દે બાપુએ વધુમા કહ્યું કે, મારે કંઈ નથી કરવું. કેમકે, મારી પાસે મારી મોગલ છે. મોટા-મોટા અધિકારીઓથી લઈને બધાને ખબર છે કે, મારૂ હથિયાર મોગલ છે. હું સાચું કહેવાવાળો ચારણ છું. પોતાની દીકરી સાથે લગ્ન કરેલા વ્યક્તિ વિશે વાત કરતાં બાપુએ કહ્યું કે, આવા ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો એ કરે.. સમાજ તો બધો આ ઉંદરડાથી દૂર ભાગી ગયો છે અને ઉંદરડાને એકલો મૂકી દીધો છે. હું તો અઢારેય વર્ણની દીકરીને કહું છું કે, તમે બધી મારી રાજબાય છો. હું તમને આદેશ કરૂ છું કે, હિંમત રાખજો અને કોઈની પણ વાતમાં ન આવતાં.