દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 5 યુવકોના મોત, હાર્ટ એટેકની આશંકા

December 04, 2024

ગુજરાતમાં કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. ક્યારેક ગરબા રમતાં-રમતાં તો ક્યારેક જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતો હોવાના કિસ્સા બનતા હોય છે. જંક ફૂડ અને ખરાબ લાઇફ સ્ટાઇલના લીધે વૃદ્ધો જ નહી પરંતુ બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. તાજેતરમાં જ વલસાડના પારડી તાલુકાના 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ દક્ષિણ ગુજરાતમાં હૃદયની બિમારીથી થયેલો પાંચમો કિસ્સો છે.  

પહેલા પારડી તાલુકાના 25 વર્ષીય યુવક રાજદીપ સિંહ ઠાકોરની વાત કરીએ. આ યુવક છેલ્લા એક વર્ષથી તલાટી તરીકે પારડીના નાના વાઘછીપા અને સોંઢલવાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતો હતો. તલાટી કમ મંત્રી રાજદીપ સિંહને હાર્ટ એટેક આવતાં બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. તબીબી પરીક્ષણમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આમ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 5 જેટલા યુવકોના હાર્ટ એટેક મોત નીપજ્યા હોવાનું કહેવાય છે. સુરત શહેરમાં ઘણાં સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત્ છે. તેવા સમયે મોટા વરાછામાં 27 વર્ષીય યુવાન, સરથાણામાં 30 વર્ષીય યુવાન, લિંબાયતમાં 36 વર્ષીય યુવાન અને સારોલીમાં 41 વર્ષીય યુવાનની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. 

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મોટા વરાછામાં રિવર પેલેસ ખાતે સાઈડ પર કામ કરતો અને ત્યાં રહેતો 27 વર્ષીય માણેકચંદ માધારામ પ્રજાપતિ મંગળવારે સવારે ઘરમાં અચાનક તબિયત બગાડતા ઢળી પડતા ભેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કયી હતો. તે મુળ રાજસ્થાનમાં જોધપુરનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તે ફર્નીચરનું કામ કરતો હતો.

સરથાણામાં પણ યોગીચોક પાસે રહેતો 30 વર્ષીય વિક્રમ કાલુ ભીલવાડ સોમવારે સાંજે પરિવાર સહિતના સાથે ટ્રેક્ટરમાં સરથાણામાં કોસવાડા રોડ નિલકંઠ મંદિર પાસે બ્લોક લેવા ગયો હતો. ત્યાં તેની અચાનક તબિયત લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ દાહોદમાં જાલોદનો વતની હતો. તે છુટક મજુરી કામ કરતો હતો..

આ ઉપરાંત લિંબાયતમાં નવાનગરમાં રહેતો 36 વર્ષના ઈમરાન સલીમ ખટીક ગત રાતે ઘરમાં અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. બાદમાં તે બેભાન થઈ ગયો હતો. જેથી ત્યાં પહોંચેલી 108ના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો. તેનો એક ભાઈ છે. તો સારોલીમાં કુંભારિયા ખાતે માનવ પેલેસમાં રહેતો 41 વર્ષીય કેતન શંકરભાઈ પટેલની મંગળવારે સવારે અચાનક તબિયત બગડતા બેભાન થઈ  ગયા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તે પિતાની ભેલની લારી પર મદદરૂપ થયો હતો.