બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને ભોપાલમાં પૈતૃક સંપત્તિના કેસમાં મોટો ઝટકો

July 05, 2025

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને ભોપાલમાં પૈતૃક સંપત્તિના કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે 25 વર્ષ જૂના નિર્ણયને ઉથલાવી દીધો છે અને હવે આ કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં નવેસરથી થશે. મિલકત સંબંધિત આ કેસ ખૂબ જૂનો છે અને નવાબ હમીદુલ્લાહ ખાનના વારસદારોની અપીલ બાદ તેને રદ કરવામાં આવ્યો છે. બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના પક્ષમાં આ નિર્ણય ન હોવાનું દેખાઇન રહ્યુ છે.

મધ્યપ્રદેશ હાઈકોર્ટે હવે સૈફ અલી ખાનની પૈતૃક મિલકત સાથે સંબંધિત વિવાદમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટના જણાવ્યા અનુસાર, ભોપાલ ટ્રાયલ કોર્ટનો 25 વર્ષ જૂનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે અને તેમાં નવી સુનાવણીનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ માટે કોર્ટે એક વર્ષનો સમય આપ્યો છે. જેથી અન્ય વારસદારોને પણ શક્ય તેટલી વહેલી તકે ન્યાય મળી શકે. 

આ પૈતૃક મિલકત નવાબની મોટી બેગમની પુત્રી સાજીદા સુલતાનને આપવામાં આવી હતી. જે સૈફ અલી ખાનની પરદાદી હતી. પરંતુ બાકીના વારસદારોએ મુસ્લિમ પર્સનલ લો અનુસાર મિલકતના વિભાજનની માંગણી કરી છે અને તેને સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવાની વિનંતી કરી છે.