કેનેડાને ટ્રમ્પ જાસૂસી ગેંગમાંથી કાઢવા મક્કમ:પાંચ દેશના આ ગ્રુપમાં દુનિયાના ખતરનાક જાસૂસ, શું છે આ 5-EYES

March 03, 2025

વોશિંગ્ટન  : નામ પરથી જ સ્પષ્ટ છે કે તે પાંચ દેશનું સંગઠન છે. એના સભ્યો એકબીજા સાથે ગુપ્ત માહિતી શેર કરે છે અને ઘણા કિસ્સાઓમાં સાથે મળીને કામ પણ કરે છે. આમાં અમેરિકા અને તેના સાથી દેશો કેનેડા,બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.

ફાઇવ આઇઝને વિશ્વનું સૌથી શક્તિશાળી ગુપ્તચર નેટવર્ક પણ માનવામાં આવે છે. આ ગઠબંધનનો સૌથી મોટો ઉદ્દેશ આતંકવાદને રોકવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરવાનો છે.

ફાઇવ આઇઝ એલાયન્સ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ થયું હતું. 1943માં અમેરિકા અને બ્રિટન વચ્ચે બ્રિટિશ-યુએસ કોમ્યુનિકેશન્સ ઇન્ટેલિજન્સ એગ્રીમેન્ટ (BRUSA) પર હસ્તાક્ષર થયા હતા. એવું નક્કી કરવામાં આવ્યું હતું
કે બંને દેશના કોડ-બ્રેકર્સ જર્મની અને જાપાનના કોમ્યુનિકેશન કોડ તોડવા માટે સાથે મળીને કામ કરશે.

બંને દેશોએ એકબીજા સાથે ગુપ્ત માહિતી શેર કરવાનું શરૂ કર્યું. યુદ્ધમાં પણ તેને આનો ફાયદો મળ્યો. યુદ્ધ જીત્યા પછી અમેરિકા અને બ્રિટને આ જોડાણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.

1946માં આ કરારને નવું નામ આપવામાં આવ્યું - યુકેયુએસએ (યુકે-યુએસએ કરાર). 1949માં કેનેડા પણ એમાં જોડાયું. આ પછી 1956માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ એમાં જોડાયા. આ પછી એનું નામ ફાઇવ આઇઝ
રાખવામાં આવ્યું.

ફાઇવ આઇઝ એલાયન્સ દેશો તેમના ભાગીદારોનાં હિતોને ધ્યાનમાં રાખીને કામ કરે છે અને એકબીજા માટે ગુપ્ત માહિતી પૂરી પાડે છે. બધા સભ્ય દેશોની 20થી વધુ એજન્સીઓ તેની સાથે સંકળાયેલી છે.

આ જોડાણ ઘણા દાયકાઓ સુધી ગુપ્ત રીતે કામ કરતું રહ્યું. જર્નલ ઓફ કોલ્ડ વોર સ્ટડીઝમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, ગફ વ્હિટલામ 1972માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બન્યા. એક વર્ષ પછી તેમને ખબર પડી કે
ફાઇવ આઇઝ નામનું એક જોડાણ પણ અસ્તિત્વમાં છે.

1999 સુધી કોઈપણ સભ્યદેશે આ જોડાણના અસ્તિત્વનો ખુલાસો કર્યો નહોતો. પ્રથમ વખત, ફાઇવ આઇઝ સંબંધિત કરાર વર્ષ 2010માં જાહેર કરવામાં આવ્યો હતો. ફાઇવ આઇઝનું સચિવાલય અમેરિકામાં છે.

આ જોડાણમાં અમેરિકા સૌથી વધુ ગુપ્ત માહિતી શેર કરે છે. આ પછી બ્રિટન બીજો દેશ છે, જે સૌથી વધુ ગુપ્ત માહિતી પૂરી પાડે છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડની ભૂમિકા ખૂબ જ મર્યાદિત છે.2020માં એક કેનેડિયન
ગુપ્તચર અધિકારીએ એક લશ્કરી ગુપ્તચર મેગેઝિનમાં લખ્યું હતું કે ફાઇવ આઇઝ સાથે સંકળાયેલા દરેક દેશની અલગ અલગ જવાબદારીઓ છે. ઓસ્ટ્રેલિયા દક્ષિણ ચીન, ભારત-ચીન અને તેના નજીકના પડોશીઓને આવરી
લે છે; બ્રિટન આફ્રિકા અને કેટલાક યુરોપિયન દેશોનો હવાલો સંભાળે છે; ન્યૂઝીલેન્ડ પશ્ચિમ પેસિફિક દેશોની માહિતી એકત્રિત કરે છે, જ્યારે કેનેડા રશિયાને લગતા મામલાઓનું સંચાલન કરે છે.

કેનેડા પાસે એટલા બધા સૈનિકો નથી. નાટો દ્વારા જ કેનેડાને અમેરિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા મળે છે. હાલમાં કેનેડા અને અમેરિકા વચ્ચે વેપાર-ટેરિફને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યા છે.

આવી સ્થિતિમાં ટ્રમ્પની નીતિ કેનેડાને અપમાનિત કરવાની છે. તે વારંવાર ટ્રુડોને "ગવર્નર" તરીકે ઓળખાવે છે. હવે ફાઇવ આઇઝમાંથી કેનેડાને દૂર કરવાની વાત પણ આનો એક ભાગ છે. આમ કરીને ટ્રમ્પ કેનેડાને પોતાની
શરતો પર લાવવા માગે છે.
કેનેડા તેની સુરક્ષાને મજબૂત બનાવવા અને જોખમોનો સામનો કરવા માટે ફાઇવ આઇઝ પર ખૂબ આધાર રાખે છે. ભલે આ ગઠબંધનમાં સામેલ દેશો યુદ્ધ કે રાજદ્વારી ક્ષેત્રમાં એકબીજાને મદદ ન કરે, પણ આ દેશો એકબીજાને
મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડી રહ્યા છે, જેનાથી મોટાં જોખમોને ટાળવામાં મદદ મળી છે.

ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ પોતે કેનેડાને ફાઇવ આઇઝ નેટવર્કમાંથી બાકાત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમના મતે કેનેડાની સંરક્ષણ ક્ષમતાઓ અમેરિકાના સુરક્ષા ધોરણો જેટલી નથી. કેનેડા આ જોડાણમાં સૌથી ઓછું
યોગદાન આપે છે. કેનેડાને જોડાણમાંથી દૂર કરવાથી અમેરિકાને ફાયદો થશે.

ટ્રમ્પના ભૂતપૂર્વ વ્યૂહાત્મક સલાહકાર સ્ટીવ બેનનના મતે, કેનેડા પાસે પોતાનો બચાવ કરવા માટે સંસાધનો નથી. એવા સમયે જ્યારે ચીન આર્કટિકમાં તેની હાજરી વધારી રહ્યું છે, ત્યારે તેને જોડાણમાંથી બાકાત રાખવું
ખતરનાક બની શકે છે.

બેનને કહ્યું હતું કે કેનેડા મર્યાદિત ક્ષમતા સાથે ઘણુંબધું કરે છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો કેનેડા લશ્કરી બાબતોમાં અમેરિકાનું શ્રેષ્ઠ સાથી રહ્યું છે.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર જૂન 2023માં માર્યો ગયો હતો. આ કેસમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારતીય ગુપ્તચર એજન્સીઓ પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ટ્રુડોએ દાવો કર્યો હતો કે
તેમને 'ફાઇવ આઇઝ' તરફથી પણ ઇનપુટ્સ મળ્યા હતા.

2013માં ભૂતપૂર્વ CIA અધિકારી એડવર્ડ સ્નોડેને ઘણી વર્ગીકૃત માહિતી જાહેર કરીને અમેરિકાનો પર્દાફાશ કર્યો. એમાં ફાઇવ આઇઝ સંબંધિત માહિતી પણ હતી.

સ્નોડેને ફાઇવ આઇઝને 'સુપર-નેચરલ ગુપ્તચર સંગઠન' તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સંગઠન તેના પોતાના દેશોના કાયદાને આધીન નથી. દસ્તાવેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફાઇવ આઇઝ દેશો
તેમના પોતાના નાગરિકોની જાસૂસી કરે છે.