કેનેડા : ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને કોર્ટે જામીન આપી દીધા

November 30, 2024

ઓન્ટેરિયો : કેનેડાની એક કોર્ટે થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવેલા ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાને 30 હજાર ડૉલરના બૉન્ડ પર જામીન આપી દીધા છે.  હવે આ કેસમાં આગામી સુનાવણી 24 ફેબ્રુઆરી 2025ના રોજ થશે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનું કમાન સંભાળી રહેલા અર્શ ડલ્લાની થોડા સમય પહેલા કેનેડા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી ઘણા હાઈટેક હથિયારો પણ મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અર્શ ડલ્લા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સીધા સંપર્કમાં રહ્યો છે.


કેનેડામાં 28 ઓક્ટોબરના રોજ રાત્રે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને લાગી હતી. અર્શ ડલ્લા તેના સાથી ગુરજંત સિંહ સાથે કારમાં સવાર થઈને હેલ્ટન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કારમાં રાખેલા હથિયારમાંથી અકસ્માતે ફાયરિંગ થઈ ગયું હતું. ગોળી ડલ્લાના જમણા હાથમાં લાગી હતી. ત્યારબાદ ડલ્લા અને ગુરજંત સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તે સમયે ડલ્લાએ પોલીસને તેના પર થયેલા હુમલાની એક નકલી સ્ટોરી કહી હતી. પોલીસે તપાસમાં અનેક ખુલાસા કર્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેનેડા પોલીસે અર્શ ડલ્લાની કારની તલાશી લીધી હતી. ત્યારબાદ રૂટ પણ ચેક કર્યો હતો. કેનેડિયન પોલીસને ખબર પડી કે અર્શ ડલ્લાની કાર રસ્તામાં એક ઘરની બહાર થોડીવાર માટે રોકાઈ હતી. પોલીસને તે ઘરના ગેરેજમાંથી ઘણા પ્રતિબંધિત હથિયારો અને કારતુસ મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, આ તમામ હથિયારો અર્શ ડલ્લાના જ છે.


અર્શ ડલ્લાનું આખું નામ અર્શદીપ ડલ્લા છે. તે મૂળ પંજાબના મોગાનો રહેવાસી છે. મિત્રો સાથે થયેલા એક ઝઘડા બાદ તેના વિરુદ્ધ પ્રથમ FIR નોંધાઈ હતી. ત્યારબાદ પરિવારે તેને સ્ટડી વિઝા પર કેનેડા મોકલી દીધો હતો. ત્યાં ગેંગસ્ટર સુક્ખા લમ્મા સાથે થયેલા વિવાદ બાદ તે પંજાબ પરત ફર્યો હતો. ત્યારબાદ તેણે ખુદ પોતાના સાથીઓ સાથે મળીને લમ્માની હત્યા કરી નાખી હતી. તે પછી તે ફરી કેનેડા ભાગી ગયો હતો.