કેનેડાએ આશ્ચર્યજનક યુટર્ન લીધો, કહ્યું નિજ્જરની હત્યામાં મોદી, જયશંકર, કે દૉવલની સંડોવણી નથી

November 23, 2024

ઑટાવા : શિખ અલગતાવાદી હરદીપ સિંઘ હત્યા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ માહિતી હતી જ, તેવા કેનેડાના ગ્લોબલ એન્ડ મેઇલના અહેવાલને કેનેડાની સરકારે તદ્દન અસ્વીકાર્ય ગણી ફગાવી દીધો હતો. આ અંગે ભારત સરકારે પહેલેથી જ સખત વિરોધ ઉઠાવ્યો હતો.

આ રિપોર્ટ અંગે પોતાના પ્રત્યાઘાતો આપતાં જસ્ટિન ટ્રુડોની સરકારે સ્પષ્ટતા કરી હતી કે, તે અહેવાલ કેનેડાના વહીવટી તંત્રનું વલણ દર્શાવતા નથી. અમારે તે સાથે કોઈ લેવા દેવા નથી.

આ પૂર્વે ૧૪ ઓકટોબરે કેનેડાની સરકારે ભારત સરકાર ઉપર અપરાધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ મુક્યો હતો. તે અંગે હવે તદ્દન યુ-ટર્ન લેતા કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે જણાવ્યું હતું કે, કેનેડાની સરકારે આવું કહ્યું જ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર કે ભારતની નેશનલ સિકયુરિટી એજન્સીના વડા અજિત દોવલ તેમાં સંડોવાયેલા હોય તેવા કોઈ પુરાવા અમારી પાસે છે જ નહીં.

આ આક્ષેપોને આ સપ્તાહના પ્રારંભે જ ભારત સરકારે ફગાવી દીધા હતા અને તેને હાસ્યાસ્પદ કહ્યા હતા.

આ પૂર્વે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેના નાયબ વિદેશ પ્રધાન ડેવિડ મોરીસને પણ સપ્ટેમ્બર ૨૦૨૪માં કેનેડા સ્થિત શિખ અલગતાવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટની સંડોવણીના મુકેલા આક્ષેપથી બંને દેશો વચ્ચે અત્યંત તંગદિલી પ્રવર્તી રહી હતી. પરંતુ રાયો-દ-જીનીઓમાં મળેલ જી-૨૦ની પરિષદ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાયડને બંને વડાપ્રધાનો ટ્રુડો અને મોદીને સાથે મળી ચર્ચા કરવા અનુરોધ કર્યો જેમાં ટ્રુડોએ પૂર્વે કરેલા વિધાનો પાછા ખેંચવા સાથે વડાપ્રધાન મોદીની સરાહના કરતાં હવે તે વિવાદનો અંત આવ્યો છે.