કેનેડામાં ભારતીય નાગરિકની ચપ્પાના ઘા મારી હત્યા કરાઇ, પોલીસે શંકાસ્પદની અટકાયત કરી

April 05, 2025

રૉકલેન્ડ : કેનેડાના રૉકલેન્ડ વિસ્તારમાં શનિવારે (5 એપ્રિલ) એક ભારતીય નાગરિકની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ વિશે જાણકારી આપી છે. દૂતાવાસ અનુસાર, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. કેનેડાની પોલીસે સમગ્ર ઘટનાના વિશે હજુ સુધી ખુલાસો નથી કર્યો પરંતુ, ભારતીય દૂતાવાસે પીડિત પરિવારને દરેક સંભવ સહાય કરવા પ્રયાસ હાથ ધર્યા છે. 

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘અમે રૉકલેન્ડમાં ભારતીય નાગરિકની ચાકૂ મારીને કરવામાં આવેલી હત્યાથી ખૂબ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ.’

મળતી માહિતી મુજબ, ક્લેરેન્સ-રૉકલેન્ડમાં આજે સવારે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, ભારતીય દૂતાવાસે પણ આ જ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે કે કેમ.