ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને NATOમાં નવા રાજદૂતની કરી જાહેરાત

November 22, 2024

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણય લઈ રહ્યા છે. તેમણે પોતાની કેબિનેટમાં મંત્રીઓના નામની જાહેરાત કર્યા બાદ હવે મુખ્ય દેશોમાં અમેરિકન રાજદૂતના નામ ફાઈનલ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં તેમણે નાટો અને કેનેડામાં નવા રાજદૂતના નામની જાહેરાત કરી છે, જેના કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ટેન્શનમાં આવી ગયા છે, જ્યારે ભારતને તેનો ફાયદો થઈ શકે છે.

ટ્રમ્પે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)માં અમેરિકી રાજદૂત માટે કાર્યવાહક એટર્ની જનરલ મેથ્યુ જી.વ્હીટેકર (Matthew Whitaker)ના નામની જાહેરાત કરી છે. જ્યારે કેનેડા માટે પૂર્વ સાંસદ પીટ હોકેસ્ટ્રા (Pete Hoekstra)નું નામ જાહેર કરાયું છે. આ નામોની જાહેરાત થયા બાદ યુરોપિયન યુનિયન અને ટ્રુડોની મુશ્કેલી વધી શકે છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાઢ સંબંધો હોવાથી કેનેડામાં નવા અમેરિકન રાજદૂતનું ભારતને સમર્થન મળી શકે છે.

વ્હીટેકર અને હોકેસ્ટ્રા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારા સંબંધો ધરાવે છે. ટ્રમ્પ પોતાના પ્રત્યે વફાદારી નિભાવી શકે તેવા નામોની પસંદગી કરી રહ્યા છે, તેથી જ યુરોપિયન યુનિયન અને કેનેડા માટે ચિંતા થવી સ્વાભાવિક છે. ટ્રમ્પે આ પહેલા ઈઝરાયેલના નવા રાજદૂતનું નામ ફાઈનલ કર્યું હતું. કેનેડાના નવા અમેરિકન રાજદૂત તરીકે સંભવિત પસંદ કરાયેલા હોકેસ્ટ્રાની ખાસ વાત એ છે કે, તેઓ કોંગ્રેસ (અમેરિકન સંસદમાં )માં મિશિગનના સેકન્ડ ડિસ્ટ્રીક તરીકે 20 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત તેમણે પ્રતિનિધિ સભાની ગુપ્ત સમિતિના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, વ્હિટેકર અમેરિકી હિતોના આગળ વધારવા માટે તેમજ તેની રક્ષા કરવાનું સુનિશ્ચિત કરશે.

NATOમાં નવા અમેરિકી રાજદૂત તરીકે મેથ્યુ જી.વ્હીટેકરનું નામ જાહેર કરાયું છે, જેઓ સંબંધો મજબૂત કરવામાં ખૂબ જ માહેર હોવાનું કહેવાય છે. ટ્રમ્પે કહ્યું કે, ‘મૈથ્યૂ આપણા નાટોના સાથીઓ સાથે સંબંધો મજબૂત કરશે અને શાંતિ તેમજ સ્થિરતા સામેના ખતરાનો દૃઢતાથી સામનો કરશે. તેઓ અમેરિકાની નવી ઊંચાઈએ લઈ જશે. જ્યારે મારા બીજા કાર્યકાળમાં હોકેસ્ટ્રા અમેરિકાને ફરી ઊંચાઈ પર લઈ જવામાં મારી મદદ કરશે. જ્યારે હું અગાઉ અમેરિકાનો રાષ્ટ્રપતિ હતો, ત્યારે આ ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન હોકેસ્ટ્રાએ નેધરલેન્ડ અને અમેરિકાના રાજદૂત તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. મને વિશ્વાસ છે કે, તેમને મળેલી નવી ભૂમિકામાં આપણા દેશનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.