કેનેડામાં પંજાબીઓનું પ્રભુત્વ ઘટાડવા ચાર ગુજરાતી નેતાઓ મેદાનમાં

April 11, 2025

કેનેડાના રાજકારણની વાત આવે એટલે પંજાબીઓ યાદ આવ્યા વિના નથી રહેતા. ભારત બહાર પંજાબીઓની સૌથી વધુ વસ્તી જો ક્યાંય હોય તો એ કેનેડામાં છે. પંજાબીઓ કેનેડાના દરેક ક્ષેત્રે અગ્રેસર છે, જેમાં રાજકારણનો પણ સમાવેશ થાય છે. હવે એક બીજો ભારતીય સમુદાય પણ કેનેડાના રાજકારણમાં પગરણ માંડી રહ્યો છે, અને એ સમુદાય છે ગુજરાતી. 

ગુજરાતીઓ કેનેડાની આગામી ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે 

એપ્રિલ મહિનાના અંતમાં કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી અગાઉ ઓક્ટોબરમાં યોજાનાર હતી, પણ ડોનાલ્ડ ટ્રમ્પની અઘરી વિદેશ નીતિઓને કારણે ખોરવાઈ રહેલી અર્થ-વ્યવસ્થાને સંભાળવા માટે કેનેડાએ વહેલી ચૂંટણીઓ યોજી છે. ચાર ગુજરાતીઓ આ ચૂંટણીમાં ભાગ લેવા જઈ રહ્યા છે, જેમાં બે કેનેડાના ટોચના રાજકીય પક્ષના ઉમેદવાર છે જ્યારે કે બે અપક્ષ છે. 

કોણ છે એ ચાર ગુજરાતી?

સંજીવ રાવલ - તાંઝાનિયામાં જન્મેલા સંજીવ રાવલ 20 વર્ષથી વધુ સમયથી કેનેડામાં સ્થાયી છે. તેમની માલિકીના અનેક સ્ટોર્સ છે. તેઓ લિબરલ પાર્ટી વતી ચૂંટણી લડશે. 

 જયેશ બ્રહ્મભટ્ટ - વ્યવસાયે સિવિલ એન્જિનિયર એવા જયેશ બ્રહ્મભટ્ટ કેનેડાના રિયલ એસ્ટેટ ક્ષેત્રનું મોટું માથું ગણાય છે. તેઓ વર્ષ 2001 માં ભારતથી કેનેડા ગયા હતા. તેઓ પીપલ્સ પાર્ટીના ઉમેદવાર છે.

 બાકીના બે ઉમેદવાર – અશોક પટેલ અને મિનેશ પટેલ – બંને ઉદ્યોગપતિ છે. તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. 

કેનેડામાં ગુજરાતી સમુદાય કેવો છે?

કેનેડામાં એક લાખથી વધુ ગુજરાતીઓ વસે છે. મોટાભાગના ટોરોન્ટો, ઓટાવા, વાનકુવર અને કેલગરી જેવા મોટા શહેરોમાં રહે છે. ગુજરાતી મૂળના લોકો ફાર્મા, હોસ્પિટાલિટી, રિટેલ, આઈટી અને ફાઈનાન્સ જેવા ક્ષેત્રોમાં સંકળાયેલા છે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટી છે. ત્યાં સ્થાયી થયેલી ભારતીય પ્રજાની વાત કરીએ તો વસ્તીની દૃષ્ટિએ પંજાબીઓ અને હિન્દીભાષીઓ પછી ગુજરાતી ત્રીજો સૌથી મોટો સમુદાય છે. 

શું ગુજરાતીઓને સફળતા મળશે?

આમ તો ગુજરાતીઓ જે ક્ષેત્રમાં મેદાને પડે એ ક્ષેત્રમાં સફળ થઈને જ જંપતા હોય છે, પણ રાજકારણ જરા અઘરી પાટી છે. એના પર દરેકનો અક્ષર સાચો જ પડે એ જરૂરી નથી, ત્યારે સવાલ એ થાય કે, ચાર ગુજરાતી ઉમેદવાર પૈકીનું કોઈ કેનેડાની ચૂંટણીમાં જીતશે ખરું? 

કયા કારણસર ગુજરાતીઓએ કેનેડાના રાજકારણમાં ઝુકાવ્યું?

ગુજરાતીઓ કેનેડાના રાજકારણમાં ઝુકાવી રહ્યા છે એના બે મુખ્ય કારણો નીચે મુજબ છે.

1)    અમેરિકાના રાજકારણથી પ્રેરિત થયા 

છેલ્લા થોડા વર્ષોથી અમેરિકામાં ઘણાબધા ગુજરાતીઓ રાજકારણમાં સક્રીય થયા છે અને એમને સફળતા પણ મળી છે. કમલા હેરિસ, કાશ પટેલ, સમીપ જોશી, કલ્પેન મોદી જેવા ઘણા ગુજરાતીઓ અમેરિકન રાજકારણમાં ટોચના હોદ્દા સુધી પહોંચ્યા છે. એમની સફળતા જોઈને કેનેડામાં દાયકાઓથી વસતા ગુજરાતીઓને પણ કેનેડાના રાજકારણમાં ઝુકાવવાની પ્રેરણા મળી હોય એવું બની શકે. 

2)    પંજાબીઓ સાથેનો અણબનાવ  

કેનેડામાં પંજાબીઓનું પ્રભુત્વ છે. કેનેડાની કુલ વસ્તીના ફક્ત 1.9 % વસ્તી પંજાબીઓની હોવા છતાં ત્યાં 16 શીખ સાંસદો છે. શીખ સમુદાયે સિત્તેરના દાયકામાં ત્યાંના રાજકારણમાં પગરણ માંડી દીધા હતા. શીખ ઉમેદવારો પાસે એક મજબૂત વોટબેંક છે. બ્રિટિશ કોલંબિયા અને ઓન્ટારિયો જેવા કેનેડાના કેટલાક વિસ્તારોમાં તો પંજાબી મતદારો રાજકીય રીતે નિર્ણાયક સાબિત થાય છે. પંજાબીઓ નારાજ ન થઈ જાય એ માટે જ કેનેડાની સત્તાધારી પાર્ટી ખાલિસ્તાનીઓને ટેકો આપે છે. ગુજરાતી સમુદાય સ્પષ્ટપણે ખાલિસ્તાન સમર્થકોનો વિરોધ કરે છે, જેને લીધે ત્યાં ગુજરાતીઓ અને પંજાબીઓ વચ્ચે થોડી ખટાશ આવી ગઈ છે. તેથી ભવિષ્યમાં ગુજરાતી સમુદાયના પ્રશ્નોને વાચા આપવા માટે કેનેડાના રાજકારણમાં ગુજરાતીઓનું આગવું પ્રતિનિધિત્વ હોય, એ જરૂરિયાતને લક્ષમાં લઈને ગુજરાતીઓ આ ચૂંટણીમાં ઉતર્યા હોય, એવું બની શકે. 

પંજાબી-ગુજરાતી વચ્ચેનો તણાવ કેવું રૂપ લઈ શકે?

ખાલિસ્તાન ચળવળને લઈને કેનેડામાં કેટલાક શીખ સંગઠનો સક્રિય રહ્યા છે, જ્યારે ગુજરાતીઓ તેનો વિરોધ કરતા આવ્યા છે. 2023 માં જ્યારે તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ભારત પર શંકા વ્યક્ત કરી હતી ત્યારે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. એ પછી, પંજાબીઓ અને ગુજરાતીઓ વચ્ચેના મતભેદો ઉભરી આવ્યા હતા. શીખોએ હિન્દુ મંદિરો બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અલબત્ત, કોઈ હિંસક બનાવ નહોતા બન્યા. 

હાલમાં બંને સમુદાય વચ્ચે કોઈ તીવ્ર તણાવ નથી. કેનેડાના રાજકારણમાં પંજાબીઓ સફળ થઈ ચૂક્યા છે. તેઓ ગુજરાતી ઉમેદવારો સાથે મૈત્રી કેળવીને કામ કરે તો ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ વધે. એમ થાય તો ભવિષ્યમાં કેનેડા-ભારતના સંબંધોમાં સુધારો થાય અને ભારતને એના ઘણા ફાયદા થઈ શકે એમ છે.