કેનેડામાં ભારેલો અગ્નિ: ચાર-પાંચ દિવસ સંવેદનશીલ, હિન્દુ મંદિરે રદ કર્યો કાર્યક્રમ

November 12, 2024

કેનેડાના હિન્દુ મંદિરમાં યોજાનારા એક કાર્યક્રમમાં ભંગાણ પાડવાની ખાલિસ્તાનીની ધમકીથી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત કરવાનો હતો. બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરમાં યોજાનારા આ કાર્યક્રમમાં હિન્દુઓ અને શિખોને લાઈફ સર્ટિફિકેટ આપવાના હતાં. 17 નવેમ્બરે યોજાનારા આ કાર્યક્રમમાં હિંસક વિરોધ પ્રદર્શનની ધમકીઓ મળતાં તેને રદ કરવામાં આવ્યો છે.

બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટર તરફથી જારી નિવેદન અનુસાર, બ્રેમ્પટન ત્રિવેણી મંદિરમાં યોજાનારી લાઈફ સર્ટિફિકેટ ઈવેન્ટ રદ કરવામાં આવી છે. પીલ રિઝનલ પોલીસને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, અહીં અત્યંત જોખમી સ્તરે હિંસક વિરોધ કરવાની યોજના ખાલિસ્તાનીઓ બાનાવી રહ્યા છે. જેથી આ ઈવેન્ટ રદ કરવામાં આવી છે.

ખાલિસ્તાનીઓ બ્રેમ્પટન સિવાય ગ્રેટર ટોરેન્ટોમાં પણ 16 અને 17 નવેમ્બરના રોજ મોટાપાયે હિંસક વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે. જેને પગલે ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરે પોલીસને કેનેડામાં રહેતાં હિન્દુઓ અને સામાન્ય લોકોની રક્ષા કરવા અપીલ કરી છે. બ્રેમ્પટનમાં સ્થિત આ ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટર હિન્દુ સમુદાયો માટે એક આધ્યાત્મિક કેન્દ્ર છે. અહીં પૂજા-ભજન, સેવા અને પ્રવચન અને હિન્દુ તહેવારોની ઉજવણીના કાર્યક્રમો થાય છે.

અગાઉ ત્રણ નવેમ્બરે બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર સ્થિત વાણિજ્ય દૂતાવાસની શિબિરમાં ખાલિસ્તાની સમર્થકોએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં હિન્દુઓને માર માર્યો હતો. જેની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી હતી. પોલીસે પણ ખાલિસ્તાનીઓની ધરપકડ કરવાને બદલે હિન્દુઓને બાનમાં લીધા હતા. જેની ટીકાઓ થતાં અંતે પોલીસે ખાલિસ્તાનીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.