કેનેડા ટ્રમ્પ સામે આર-પારના મૂડમાં, અમેરિકાના 15 લાખ ઘરોમાં વીજળી ડૂલ કરવાની ધમકી

March 06, 2025

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે, ટ્રમ્પને અમેરિકામાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, અમેરિકન અર્થવ્યવસ્થાને વેગ આપવા ટ્રમ્પ દ્વારા કરાયેલ ટેરિફ
પગલાથી હવે અમેરિકાને જ ભારે નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા આજે વિશ્વ મહાસત્તા હોવા છતાં જે રીતે તેણે ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદી છે એ જોઇને લાગી રહ્યું છે કે આ દેશો હવે એ જ રીતે જવાબ આપી
રહ્યા છે. 

સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે મંગળવારથી કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાગુ કરવામાં આવશે. આ ઘટનાથી કેનેડા આઘાતમાં છે અને આર્થિક મોરચે આ લડાઈને લઈને સખત મૂડમાં છે.
ટ્રમ્પે એનર્જી આયાત સિવાય કેનેડામાંથી આવતા તમામ માલસામાન પર 25% ટેરિફની જાહેરાત કરતાની સાથે જ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 30 બિલિયન કેનેડિયન ડોલરની અમેરિકન આયાત પર ટેરિફ લાદીને
બદલો લીધો. 

કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર વધારાનો 25% સરચાર્જ પણ લગાવ્યો છે. જસ્ટિન ટ્રુડોએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રુડોએ ટ્રમ્પ પર કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો જેથી
તેઓ કેનેડાને અમેરિકા સાથે મર્જ કરવાની તેમની યોજના પર કામ કરી શકે.

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના પ્રીમિયર ડગ ફોર્ડે અમેરિકા પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. તેણે અમેરિકાને બ્લેકઆઉટની ધમકી આપી છે. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાંથી અમેરિકાના ત્રણ રાજ્યોમાં વીજળી પૂરી પાડવામાં
આવે છે. અમેરિકાના મિનેસોટા, મિશિગન અને ન્યૂયોર્કમાં લગભગ 1.5 મિલિયન ઘરોને ઓન્ટારિયોમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે એટલે કે કેનેડા અમેરિકાને વીજળીની નિકાસ કરે છે. ઓન્ટારિયો પ્રાંત અમેરિકાની
સરહદે છે. આ સિવાય કેનેડાએ નિકલનો સપ્લાય રોકવાની પણ ધમકી આપી છે.

જો કે ડગ ફોર્ડે ટેરિફ લાદતા પહેલા જ વીજળીનો પુરવઠો બંધ કરવાની ધમકી આપી હતી, પરંતુ અમેરિકા પર તેની કોઈ અસર થઈ નથી અને મંગળવારથી કેનેડામાં 25% ટેરિફ લાગુ કરવામાં આવી છે.

આ ઉપરાંત કેનેડા અમેરિકાનું સૌથી મોટું વિદેશી તેલ સપ્લાયર પણ છે. વર્ષ 2023 માં, યુએસએ કેનેડામાંથી દરરોજ 1.4 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી, જે અમેરિકાની કુલ આયાતના અડધા કરતાં વધુ છે. જો કે,
નિષ્ણાતો માને છે કે કેનેડા તેલનો પુરવઠો રોકવા જેવા પગલાં નહીં ભરે, કારણ કે તેની પોતાની અર્થવ્યવસ્થાને અસર થશે.

ટ્રમ્પે ચીનના સામાન પર ડ્યૂટી બમણી કરીને 20% કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પર ચીનના અમેરિકી દૂતાવાસે સોશિયલ મીડિયા જણાવ્યું હતું કે, 'જો અમેરિકા યુદ્ધ ઈચ્છે છે, પછી તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ
હોય કે અન્ય કોઈ પ્રકારનું યુદ્ધ હોય, અમે અંત સુધી લડવા માટે તૈયાર છીએ.' એટલું જ નહીં અમેરિકાને જવાબ આપવા માટે ચીને પોતાનું ટેરિફ કાર્ડ પણ ફેંકી દીધું. ચીને યુએસ કૃષિ ઉત્પાદનોની આયાત પર 15% અને
અન્ય પર 10% ટેરિફ લાદ્યો છે.